પીએમ મોદીની સભા પહેલા રાજપૂતો આંદોલનની તલવાર મ્યાનમાં મૂકશે? કાયદો હાથમાં ન લેવા કરી અપીલ

Rupala Controversy : આંદોલનને કોઈ અવળા પાટે ચડાવશે તેવી ક્ષત્રિયોને બીક, જામનગરમાં PM મોદીના કાર્યક્રમને હિતશત્રુઓ બદનામ કરે તેવા એંધાણથી રાજપૂતોએ શાંતિ જાળવવાની અપીલ કરી

પીએમ મોદીની સભા પહેલા રાજપૂતો આંદોલનની તલવાર મ્યાનમાં મૂકશે? કાયદો હાથમાં ન લેવા કરી અપીલ

Loksabha Election 2024 : આગામી 2 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રચારમાં આવવાના છે. પીએમ મોદી સૌરાષ્ટ્રમાં પ્રચાર કરવાના છે. ત્યારે ભાજપને સૌથી મોટો ડર ક્ષત્રિયોના આંદોલનનો છે. ત્યારે હવે લાગે છે કે, પ્રધાનમંત્રીની મુલાકાત પહેલા રાજપૂતો તલવાર મ્યાનમાં મૂકશે. કારણ કે, સૌરાષ્ટ્રમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ પહેલા ક્ષત્રિય સમાજે શાંતિ જાળવવા અપીલ કરી છે.

સૌરાષ્ટ્રમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમ પહેલા ક્ષત્રિય સમાજે શાંતિ જાળવવા અપીલ કરી છે. વાંકાનેરના અખિલ રાજપૂત યુવા સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અને કોઇ કાયદો હાથમાં ન લેવા અપીલ કરી છે. સાથે જ લોકશાહી ઢબે લડત ચાલુ રાખવા અને ૭ તારીખ સુધી આચારસંહિતાનું પાલન કરવા અપીલ કરી. જામનગર, મોરબી અને વાંકાનેર ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા અપીલ કરતો પત્ર ફરતો કરાયો છે. કોઇ અન્ય વ્યક્તિ આંદોલનને ગેરમાર્ગે ન દોરી જાય તે માટે સજાગ રહેવા અને વાતાવરણ ન ડહોળાઇ તેની તકેદારી રાખવા સૂચના અપાઈ છે. 

જામનગર જીલ્લા રાજપૂત સંકલન સમિતિનો સંદેશ
જામનગર શહેર જિલ્લામાં વસતા ક્ષત્રિય પરિવારોના ભાઈઓ, બહેનો, યુવાનોને ક્ષત્રિય સમાજના આગેવાનોનું નમ્ર નિવેદન છે કે અત્યાર સુધી લોકશાહી ઢબે ચાલી રહેલા ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલનને અવડે પાટે ચડાવવા કે શાંતિ ડહોળવા પ્રયાસ થાય તેવી ભિતી છે. જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ દરમ્યાન આવું કાઈ કૃત્ય કરીને પણ કોઈ હિતશત્રુઓ બદનામ કરે તેવું દેખાય રહ્યું છે. આવું કાઈ ન બને અને આપડે તા.૭ના મતદાનને લક્ષમાં રાખીને શાંતિ જાળવવાની છે કોઈએ કાયદો હાથમાં ન લેવો કે આંચારસહિંતાનો ભંગ ન કરવો તેવો સર્વેને ભારપૂર્વક નમ્ર અનુરોધ અને અપીલ છે.

વાંકાનેર સમસ્ત રાજપુત સમાજનો મેસેજ
ભાઈઓ - બહેનો યુવાનો અને આગેવાનો તમામને નમ્ર નિવેદન છે કે આપાર સુધી લોકશાહી ઢબે ચાલી રહેલ ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલન" ને કોઈ અનિષ્ટ તત્વો દ્વારા શાંતિ ડહોળવાનાં પ્રયાસ થાય તેવા રસ્તે લઈ જવાની ભીતિ છે. આગામી લોકસભા ચૂંટણીમાં સમયગાળા દરમિયાનમાં કોઈપણ રીતે રાજપૂત સમાજની બદનામી થાય તેવા કૃત્યો કરવાની હિતશત્રુઓની તૈયારી હોવાનું જાણવા મળ્યું છે. જેથી આવું કાંઈ ન બેને અથવા રાજપુત સમાજનાં આંદોલનને નામે ન ચંડે તે માટે આપણે તારીખ 7 ના રોજ ચુંટણીના મતદાનનાં દિવસે લક્ષ્યમાં રાખીને શાંતિ જાળવવાની છે. અને શિસ્તબદ્ધ રીતે રહેવાનું છે. રાજપૂત સમાજનાં કોપી સભ્યને કાયદો હાથમાં લેવાનો નથી. તેમજ આચાર સંહિતાનો ભંગ કરવાનો નથી, તેમજ શાંતિપૂર્વક સુખદ વાતાવરણમાં મતદાન થાય તેવી કાળજી સૌ લેવાની છે.

ક્ષત્રિયોના મત વિસ્તારમાં પીએમની સભા 
ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર ખાતે આગામી તારીખ 2 મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જાહેર સભા યોજાશે. આ જાહેર સભાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. રાજકોટ રોડ પર આવેલ ત્રિમંદિર સામે ગ્રાઉન્ડમાં બપોરે જાહેર સભા યોજાશે. સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભા બેઠક માટે નરેન્દ્ર મોદી જાહેર સભા યોજી ઝંઝાવાતી પ્રચાર કરશે. ત્યારે આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ભાજપ સામે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે વડાપ્રધાનની જાહેર સભા યોજાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news