સાડા ત્રણ મહિના બાદ પણ ઈઝરાયલ-હમાસ આમનેસામને , હમાસની હરકતે ગાઝાના 25 હજાર લોકોના જીવ લીધા

વિશ્વ અત્યારે બે ભીષણ યુદ્ધમાંથી પસાર થઈ રહ્યું છે. રશિયા અને યુક્રેનના યુદ્ધને જ્યાં બે વર્ષ પૂરા થવા આવ્યા છે, ત્યાં ઈઝરાયલ અને હમાસનું યુદ્ધ સાડા ત્રણ મહિના પછી પણ અટકવાનું નામ નથી લેતું..
 

સાડા ત્રણ મહિના બાદ પણ ઈઝરાયલ-હમાસ આમનેસામને , હમાસની હરકતે ગાઝાના 25 હજાર લોકોના જીવ લીધા

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને ત્રણ મહિનાથી વધુ સમય થયો છે. યુદ્ધમાં હજુ પણ બંને તરફે લોકોના જીવ હોમાઈ રહ્યા છે. 26 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમ છતા યુદ્ધ ક્યારે અટકશે તે કોઈને ખબર નથી. ઈઝરાયલે હમાસ સમક્ષ યુદ્ધવિરામનો શરતી પ્રસ્તાવ પણ મૂક્યો, જો કે તે જ સમયે હમાસ તરફથી ઈઝરાયલની સેનાને અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન થયું છે...જેના પરિણામે યુદ્ધવિરામની શક્યતા ધૂંધળી બની છે..ઉલટું યુદ્ધ વધુ ભડકી ઉઠે તેના ભણકારા વાગી રહ્યા છે.  

હમાસના ખાત્માના નિર્ધાર સાથે યુદ્ધ લડી રહેલું ઈઝરાયલ યુદ્ધ પૂરું કરવાના મૂડમાં નથી. આ દરમિયાન ઈઝરાયલે હમાસ સમક્ષ ફરી એક વાર યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો છે. ઈઝરાયલે હમાસને પ્રસ્તાવ મોકલ્યો છે કે જો હમાસ તેના તમામ બંધકોને મુક્ત કરી દેશે તો ગાઝા પર આગામી બે મહિના સુધી કોઈ હુમલા નહીં કરાય. ઈઝરાયલે કતાર અને ઈજિપ્તના માધ્યમથી હમાસને આ પ્રસ્તાવ મોકલ્યો છે. જો કે હમાસ તરફથી આ અંગે હજુ કોઈ જવાબ નથી આવ્યો. 

ઈઝરાયલનો દાવો છે કે તેના 137 નાગરિકો હજુ પણ હમાસના કબ્જામાં છે, જેમાં 115 પુરુષો, 20 મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે..

આ અગાઉ 24થી 30 નવેમ્બર સુધી બંને પક્ષે યુદ્ધવિરામ સમજૂતી થઈ હતી. આ માટેની શરત પ્રમાણે હમાસે ઈઝરાલયના 100થી વધુ બંધકોને મુક્ત કર્યા હતા. તો ઈઝરાયલે હમાસના 240 કેદીઓને છોડવા પડ્યા હતા.

યુદ્ધવિરામ પૂર્ણ થતાં જ ઈઝરાયલે ફરી ગાઝા પર હુમલા શરૂ કરીને હમાસને ટાર્ગેટ કર્યું હતું...જેનું પરિણામ છે આ દ્રશ્યો, સમગ્ર ગાઝા અત્યારે કાટમાળના ઢગમાં તબ્દીલ થઈ ગયું છે. હમાસે ઈઝરાયલના નાગરિકોના કરેલા અપહરણની સજા ગાઝાના 23 લાખ લોકો ભોગવી રહ્યા છે. યુદ્ધમાં ગાઝાનો દરેક પરિવાર વિસ્થાપિત થઈ ચૂક્યો છે. જ્યારે ઈઝરાયલમાં પાંચ લાખ લોકો વિસ્થાપિત થયા છે.

7મી ઓક્ટોબરે યુદ્ધ શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધી 25 હજાર 295 જેટલા પેલેસ્ટાઈનીઓએ જીવ ગુમાવ્યા છે. જેમાં 10 હજાર બાળકો અને સાત હજાર મહિલાઓનો સમાવેશ થાય છે. સાત હજારથી વધુ લોકો લાપતા છે, જ્યારે 63 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો સામે ઈઝરાયલના પક્ષે એક હજાર 436 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 220 જેટલા સૈનિકોનો સમાવેશ થાય છે. જ્યારે આઠ હજાર 787 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

ઈઝરાયલની સેના અત્યારે ગાઝા પટ્ટીમાં ફરી રહી છે અને હમાસના ટનલ નેટવર્કને શોધીને ધ્વસ્ત કરી રહી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે તે હમાસની ટનલ 830 મીટર લાંબી અને જમીનમાં 20 મીટર ઉંડાણમાં છે. તેનો ઉપયોગ હમાસના આતંકીઓ છૂપાવા માટે અને બંધકોને સંતાડવા માટે કરતા હતા. આવી અનેક ટનલ ઈઝરાલયની સેનાએ શોધી કાઢી છે..

ઈઝરાલય તરફથી મરણતોલ ફટકો પડ્યો હોવા છતા હમાસ હાર માનવાનું નામ નથી લેતું. આ દરમિયાન ઈઝરાયલની સેનાને યુદ્ધમાં અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન થયું છે. સેના જ્યારે સરહદ પાસે હમાસના ઠેકાણા ધ્વસ્ત કરી રહી હતી, ત્યારે ગ્રેનેડથી કરાયેલા વિસ્ફોટમાં હુમલામાં ઈઝરાયલના 24 સૈનિકોના મૃત્યુ થયા છે. 

આ નુકસાન બાદ ઈઝરાયલ પોતાની સીઝફાયરની ઓફર પડતી મૂકે તેવી શક્યતા છે. કેમકે પ્રધાનમંત્રી નેતનયાહૂએ સંપૂર્ણ વિજય સુધી યુદ્ધ ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. એટલે કે નજીકના સમયમાં યુદ્ધનો અંત નહીં આવે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news