રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં ઘીની નદીઓ વહી, જાણો રસ્તા પર વહેતા ઘી નું પછી શું થાય છે

Rupal Ni Palli : ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી યોજાઈ. નોમની રાતે પરંમપારાગત પલ્લી યોજાઈ હતી. ગાંધીનગરમાં રૂપાલમાં માતાજીની પલ્લી પર હજારો કિલો ઘીનો અભિષેક કરાતા ઘીની નદીઓ વહેવા લાગી હતી. પાંડવ કાળથી ચાલતી આવતી પરંપરા મુજબ ગામના લોકો પલ્લી કાઢવામાં આવી હતી. પલ્લીમાં હજારોની સંખ્યામાં આવતા ભાવિ ભક્તોની સુરક્ષા વ્યવસ્થા માટે પણ પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમો પણ ડુપ્લીકેટ ઘીના વેચાણને રોકવા તેનાત કરવામાં આવી હતી. રાત્રે 1 વાગ્યા આસપાસ પલ્લી બન્યા બાદ 27 ચકલાઓમાં ફરી પલ્લી નિજમંદિરમાં પહોંચી હતી. 

1/7
image

ગુજરાતના ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં આજની નહીં પરંતુ સદીઓથી ઘીની નદીઓ વહે છે. નવરાત્રિમાં જેટલા ગુજરાતના ગરબા વખાણાય છે, તેટલી જ રૂપાલની પલ્લી પણ પ્રખ્યાત છે. માતાની પલ્લી પર લાખો લિટર ઘી ચઢાવાતું હોય, અને તેની નદીઓ ગામની ગલીઓમાં વહેતી હોય... તેવા દ્રશ્યો રૂપાલમાં જ જોવા મળે છે. રૂપાલની પલ્લીને જોવા માટે દેશવિદેશમાંથી લોકો આવે છે. આસો સુદ નોમના રાત્રે આ પલ્લી નીકળે છે.

2/7
image

ગાંધીનગરમાં રૂપાલ ગામે આસો સુદ વદના રાત્રે માતાની પલ્લીનો પ્રારંભ થાય છે. આ મહોત્સવ વિશ્વભરમાં વિખ્યાત છે. જ્યાં આસ્થાના દર્શન થાય છે. માતાની પલ્લી મંદિરથી નીકળીને ગામના 27 ચોકમાંથી પસાર થાય છે. આ દરેક ચોકમાં પલ્લી પર ઘી રેડાતું રહે છે. આ માટે ગામમાં આવેલ માતાના સ્થાનકને રોશનીથી સજાવાય છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપનાની સાથે માતાના જવેરા વાવવામાં આવે છે.

3/7
image

જેના બાદ નોમના દિવસે રાત્રે પલ્લી નીકળે છે. ઉનાવાના ઠાકોર સમાજના લોકો જ આ પલ્લીને પ્રસ્થાન કરાવે છે. ગામના દરેક ચોકમાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટે છે કે, જોઈને ઘડીક બીક લાગે. પરંતુ આજ દિન સુધી પલ્લીમાં કોઈ અનિચ્છીનીય બનાવ બન્યો નથી.   

4/7
image

પલ્લી શું છે, એવો સવાલ બધાને થાય છે. પલ્લી એટલે માતા માટે લાકડાનો ઘોડા વગરનો રથ. સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી. ત્યાર બાદ પાટણના રાજા સિદ્ધરાજે ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવી હતી, તેવો ઉલ્લેખ છે. હાલ રૂપાલની પલ્લી બનાવવા માટે બ્રાહ્મણ, વણિક પટેલ, સુથાર, વણકર, વાળંદ, પીજારા, ચાવડા, માળી, કુંભાર વગેરે જેવી અઢાર કોમ સાથે મળીને બનાવે છે. એમ કહો કે, આ પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતિક છે.  

5/7
image

પલ્લી બનાવવા માટે ગામના વાલ્મીકી ભાઈઓ રથ માટે ખીજડાનું વૃક્ષ કાપીને લાવે છે. તેમાંથી ગામના ભાઈઓ માનો પલ્લીરથ ઘડીને તૈયાર કરે છે. બાદમાં વાળંદભાઈઓ વરખડાના સોટા લાવી રથને ચારેબાજુ બાંધીને કલાત્મક રીતે શણગારે છે. પછી પલ્લીરથને પલ્લીવાળા વાસમાં માનો ગોખ તથા માની છબી ત્યાં લઈ જઈ મૂકવામાં આવે છે. તે જગ્યાને અબોટ કરી ગંગાજળ તથા ગાયના છાણ અને ગૌમૂત્રથી પવિત્ર કર્યા બાદ જ પલ્લી મૂકવામાં આવે છે.

6/7
image

ત્યારબાદ કુંભાર પ્રજાપતિ ભાઈઓ પાંચ માટીના કૂંડા પલ્લી ઉપર છાંદી જાય છે. પછી પિંજારો કપાસ પૂરે છે. પંચાલ ભાઈઓ લાકડાના ખીલા આપે છે. માળી ભાઈઓ માતાજીને ફૂલહારથી શણગારે છે, અને આમ માનો સુંદર પલ્લીરથ તૈયાર થાય છે. માતાજીનો પ્રસાદ પંચોલી બ્રાહ્મણ ભાઈઓ રાંધે છે તથા ખીચડો નૈવેધ ધરાવવાની છાબ વાલ્મિકી સમાજના ભાઈઓ તૈયાર કરી ચાવડાને ત્યાં આપી આવે છે. આમ ગામમાં વસતા અઢારે આલમના લોકો માની શકિત મુજબ સેવા કરે છે.

7/7
image

પાંડવ કાળથી શરૂ થયેલી વરદાયની માતાની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં જીવંત છે. પ્રતિવર્ષ નવમા નોરતે માતાની પલ્લી ભરાય છે. વરદાયીની માતાની પલ્લી સાથે ત્રણ જેટલી દંતકથાઓ જોડાયેલી છે. વરદાયીની માતા દેવસ્થાન સંસ્થાના કહેવા પ્રમાણે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામચંદ્ર, પિતાની આજ્ઞા પાળવા વનમાં ગયા. ત્યારે તેમણે ભરત મિલાપ બાદ શ્રી શ્રૃંગી ઋષિના આદેશથી લક્ષ્મણ તથા સીતામાતા સહિત શ્રી વરદાયીની માતાજીના દર્શન કરી પુજા અર્ચના કરી પ્રાર્થના કરતાં શ્રી વરદાયીની માતાજીયે પ્રસન્ન થઈ ભગવાન શ્રી રામચંદ્રને આશીર્વાદ આપી શક્તિ નામનુ એક અમોધ દિવ્ય અસ્ત્ર આપ્યુ. લંકાના યુદ્ધમાં ભગવાન શ્રી રામચંદ્ર આજ બાણથી અજેય રાવણનો વધ કર્યો.