ભાજપે ગુજરાતમાં ઐતિહાસિક જીત મેળવી, હવે આ 9 રાજ્યની વિધાનસભા ચૂંટણી પર છે નજર!

Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણી તો પતી ગઈ અને રાજ્યમાં ભાજપ 27 વર્ષ બાદ ફરીથી એકવાર સત્તા પર વિક્રમજનક બહુમતીથી સરકાર બનાવવામાં સફળ થઈ ગયો છે. 182 બેઠકોમાંથી ભાજપને ફાળે 156 બેઠકો આવી. અત્યાર સુધીમાં તમામ રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા. હવે આગામી દિવસોમાં દેશના અન્ય 9 રાજ્યોમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાશે. જાણો વિગતો. 

ભાજપે ગુજરાતમાં ઐતિહાસિક જીત મેળવી, હવે આ 9 રાજ્યની વિધાનસભા ચૂંટણી પર છે નજર!

ગુજરાતમાં પ્રચંડ બહુમતી મેળવી અનેક રેકોર્ડ સર્જી ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભાની ચૂંટણી માટે પણ હુંકાર ભરી દીધો છે. જો કે આ સફરમાં હજું પણ અનેક નાના મોટા પડાવ આવશે. પણ મહત્વની વાત એ છે કે ગુજરાત તો ભાજપે સાચવી લીધુ પણ હવે લોકસભા ચૂંટણી પહેલા 9 રાજ્યોમાં ચૂંટણી આવશે. જેમાં જીત મેળવવા માટે ભાજપ પૂરતી તૈયારી કરીને મેદાને પડવા ઈચ્છશે. જાણો કયા કયા રાજ્યોમાં હવે આવશે ચૂંટણી....

1. નાગાલેન્ડ (60 બેઠકો)
નાગાલેન્ડમાં હાલ ભાજપ સમર્થિત સરકાર છે. અહીં ગત વિધાનસભા ચૂંટણી વર્ષ 2018માં થઈ હતી. ત્યારે નેશનલિસ્ટ ડેમોક્રેટિક પીપલ્સ પાર્ટી (એનડીપીપી) અને ભાજપે મળીને ચૂંટણી લડી હતી. ચૂંટણી બાદ પીપલ્સ ડેમોક્રેટિક અલાયન્સ (પીડીએ) નામથી સરકાર બની હતી. જેમાં એનડીપીપીના નેફ્યૂ રિયો મુખ્યમંત્રી બન્યા હતા. નાગાલેન્ડમાં ભાજપે 12 સીટ મેળવી હતી. નાગાલેન્ડ વિધાનસભાનો કાર્યકાળ 2023માં પૂરો થાય છે. 

2. મેઘાલય (60 બેઠક)
મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)નું શાસન છે. અહીં મુખ્યમંત્રી કોનરાડ સંગમા છે. અહીં વર્ષ 2018માં ચૂંટણી થઈ હતી. એનપીપીને ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષોની સાથે સાથે ભાજપનું પણ સમર્થન મળ્યું હતું. જો કે 60માંથી 53 બેઠકો પર એનપીપીએ પોતાના દમ પર ચૂંટણી લડી હતી. હાલમાં જ અહીંના મુખ્યમંત્રી સંગમાએ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી આગામી ચૂંટણી એકલા હાથે લડશે. આ માટે તેમણે 53 ઉમેદવારોના નામ પણ નક્કી કરી લીધા છે. જો કે  તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની પાર્ટી એનડીએને સમર્થન ચાલુ રાખશે. મેઘાલય વિધાનસભાનો કાર્યકાળ માર્ચ 2023માં પૂરો થશે. 

3. ત્રિપુરા (60 બેઠક)
ભાજપે 2018માં અહીં ડાબેરી પક્ષોના શાસનનો અંત કર્યો હતો અને સત્તા પર આવ્યું હતું. આ વર્ષે 14 મેના રોજ ભાજપે અહીં ફેરફાર લાવતા બિપ્લવ દેવને મુખ્યમંત્રી પદેથી હટાવીને માણિક સાહાને સીએમ બનાવ્યા હતાં. અહીં કોંગ્રેસ અને સીપીઆઈ-એમ વચ્ચે વાતચીત ચાલે છે અને આશા વ્યક્ત  કરાઈ રહી છે કે તેમની વચ્ચે ગઠબંધન થઈ શકે છે. જ્યારે આદિવાસી તિપ્રા મોથા પાર્ટી ભાજપના સહયોગી આઈપીએફટી પાસેથી આદિવાસી મતો પડાવવાની કોશિશ કરશે. આ વિધાનસભાનો કાર્યકાળ માર્ચ 2023માં પૂરો થાય છે. 

4. કર્ણાટક (224 બેઠક)
ગત વખતે અહીં ચૂંટણી બાદ કોંગ્રેસ અને જેડીએસનું ગઠબંધન થયું હતું અને ત્યારે એચડી કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા હતા. જેના કારણે ભાજપ વધુ સીટો મેળવીને પણ સત્તામાંથી દૂર રહી હતી. જો કે 14 મહિનાની અંદર જ ભાજપના અઠંગ ખેલાડી બી એસ યેદિયુરપ્પાએ પોતાનો જાદુ ચલાવ્યો અને જેડીએસ તથા કોંગ્રેસની સરકાર પડી અને નવી સરકાર બની. ગત વર્ષ જુલાઈમાં ભાજપે યેદિયુરપ્પાને હટાવીને બસવરાજ બોમ્બઈને સીએમ બનાવ્યા હતા. કર્ણાટક વિધાનસભાનો કાર્યાકળ મે 2023માં પૂરો થાય છે. 

5. મિઝોરમ (40 બેઠક)
મિઝો નેશનલ ફ્રન્ટના નેતા જોરામથાંગા ડિસેમ્બર 2018માં આ પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારે તેમની પાર્ટીએ કોંગ્રેસનો સફાયો કરીને જીત મેળવી હતી. કોંગ્રેસ અહીં લાલ થાનાવાલના નેતૃત્વમાં બેવાર શાસન કરી ચૂકી હતી. મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બર 2023માં પૂરો થાય છે. 

6. છત્તીસગઢ (90 બેઠક)
આ રાજ્યમાં જીત મેળવવી એ કોંગ્રેસ માટે ખુબ મોટી વાત હતી. ગત વિધાનસભા ચૂંટણીમાં ભૂપેશ બઘેલે આ કામ શક્ય કરી બતાવ્યું હતું. ત્યારે કોંગ્રેસે 90 બેઠકોમાંથી 68 બેઠકો મેળવી હતી. આ સાથે જ ભાજપને સત્તામાંથી દૂર કર્યું હતું. જો કે પેટાચૂંટણીમાં કોંગ્રેસે અહીંની એસટી-અનામત સીટ ભાનુપ્રતાપપુર કબજે કરી હતી. ભાજપની પેટાચૂંટણીઓમાં આ સતત પાંચમી હાર હતી.  આ રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં પૂરો થાય છે. 

7. મધ્ય પ્રદેશ (230 બેઠક)
મધ્ય પ્રદેશમાં કડક મુકાબલા બાદ ગત ચૂંટણીમાં કોંગ્રેસે ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા શિવરાજ સિંહ ચૌહાણને સત્તામાંથી દૂર કર્યા હતા. જો કે કોંગ્રેસ પોતાની જીતની ઉજવણી બહુ સમય સુધી જાળવી શકી નહીં અને માર્ચ 2020માં કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ 22 વિધાયકો સાથે પાર્ટી છોડી. આ સાથે જ કમલનાથ સરકર પડી અને શિવરાજ સિંહ ચૌહાણ ફરી એકવાર સત્તામાં આવી ગયા. જો કે આ વખતે પણ દિગ્વિજય સિંહ અને કમલનાથ જેવા દિગ્ગજ નેતાઓની હાજરીના કારણે કોંગ્રેસને અવગણવી સરળ નહીં રહે. મધ્ય પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરી 2024ના અંતમાં પૂરો થઈ રહ્યો છે. 

8. રાજસ્થાન (200 બેઠક)
રાજસ્થાનમાં સત્તા પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આવતી જતી રહી છે. અશોક ગેહલોતના નેતૃત્વમાં કોંગ્રેસે અહીં 2018માં વસુંધરા રાજે સિંધિયાના નેતૃત્વવાળી ભાજપ સરકારને માત આપી હતી. કોંગ્રેસને 99 અને ભાજપને 73 બેઠકો મળી હતી. આ વખતે જ્યાં કોંગ્રેસનો દાવો છે કે તે અંહી સત્તા બદલાવવાની પરંપરાને તોડશે જ્યારે બીજી બાજુ પાર્ટીની અંદર ચાલી રહેલો આંતરિક કલેહ પાર્ટી માટે માથાનો દુ:ખાવો બન્યો છે. રાજસ્થાનમાં વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરી 2024ના અંતમાં પૂરો થાય છે. 

આ વીડિયો પણ ખાસ જુઓ..

9. તેલંગણા (119 બેઠક)
કેસીઆરના નામથી જાણીતા ચંદ્રશેખર રાવે ડિસેમ્બર 2018માં તેલંગણામાં મોટી જીત મેળવી હતી અને મુખ્યમંત્રી બન્યા હતા. બીજી બાજુ ભાજપની સતત કોશિશ છે કે તે તેલંગણામાં પક્કડ મજબૂત બનાવે. કેસીઆરે પોતાની પાર્ટી તેલંગણા રાષ્ટ્ર સમિતિનું નામકરણ ભારત રાષ્ટ્ર સમિતિ કરીને મોટા ઈરાદાનો સંકત પણ આપી દીધો છે. તેલંગણા વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં પૂરો થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news