રૂપાલાને ચૂંટણીમાં ભોંય ભેગા કરવા ક્ષત્રિયોની નવી રણનીતિ : 4 મહાસંમેલનની કરી જાહેરાત

Rupala Controversy : બુધવારે ક્ષત્રિય આંદોલનની સંકલન સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ-2ને વેગવંતુ બનાવવા માટેની જાહેરાતો કરવામાં આવી

રૂપાલાને ચૂંટણીમાં ભોંય ભેગા કરવા ક્ષત્રિયોની નવી રણનીતિ : 4 મહાસંમેલનની કરી જાહેરાત

Gujarat Politics : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને ચૂંટણીમાં ભોં ભેગા કરવા રણનીતિ તૈયાર કરી છે. આ સાથે જ ક્ષત્રિય સમાજના 4 મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા અંદરોઅંદર વિખવાદ ઉભો કરવાનાં પ્રયાસનો આરોપ ક્ષત્રિય સમાજે લગાવ્યા છે. કરણસિંહ ચાવડાએ કહ્યું કે, રૂપાલા કરતા ખરાબ વાણી વિલાપ કિરીટ પટેલે કર્યો છે. 

ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, તાલુકા દીઠ અને વોર્ડ દીઠ મિટિંગો કરવામાં આવી રહી છે. દરરોજ રાત્રી સભાઓ કરી મતદારોને સમજાવવાના પ્રયાસો કરીએ છીએ. ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજના લોકોને પણ જોડી રહ્યા છીએ. આંદોલનના પાર્ટ 2ની શરૂઆત કરી છે. જેમાં ધર્મરથ દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાંથી પ્રસ્થાન કરવામાં આવ્યો છે. ભાજપના નેતાઓ હજુ પણ ક્ષત્રિય સમાજનું અપમાન કરી રહ્યા છે. તાજેતરમાં જૂનાગઢના જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે પોતાની માનસિક છતી કરી. પરસોતમ રૂપાલાના શિષ્ય હોઈ તેમ રાજાઓ અને તેની રાણીઓ ઉપર ટિપ્પણી કરી અને કહ્યું કે, ‘રાણી બાડી, બોબડી, લુલી કે લંગડી જેવી હોય એના કુખે જન્મ લેનાર જ રાજા બનતો હતો હવે મત પેટીમાંથી રાજા બને છે’ કહી અપમાન કર્યું છે. 

ક્યાં ક્યાં મહાસંમેલન યોજાશે 

  • 27 એપ્રિલના મહેસાણાના વિસનગરમાં સંમેલન યોજાશે
  • ગુજરાત સ્થાપના દિવસે 1 મેના રોજ આણંદમાં મહાસભા અને મહાસંમેલન યોજાશે
  • 2 મેના રોજ જામનગરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે. 

આમ, કરણસિંહ ચાવડાએ પરસોત્તમ રૂપાલા કરતા પણ ખરાબ વાત કિરીટ પટેલે કરી હોવાનું કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, આગ લગાડવાનું કામ ભાજપ કરી રહ્યું છે, પણ ક્ષત્રિયો સંયમ સાથે મતદાન સુધી સંયમ રાખશે. તેના બાદ અમારા સંમેલન કરીશું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. 27 એપ્રિલના મહેસાણાના વિસનગરમાં સંમેલન યોજાશે. ગુજરાત સ્થાપના દિવસે 1 મેના રોજ આણંદમાં મહાસભા અને મહાસંમેલન યોજાશે. 2 મેના રોજ જામનગરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે.

ભાજપ વિરોધી મતદાન કરાવીશું
તેમણે કહ્યું કે, 2 તારીખ થી 6 તારીખ સુધી રાજકોટ લોકસભા બેઠકમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ક્ષત્રિય સમાજની ફૌજ મેદાને ઉતારવામાં આવશે અને ભાજપ વિરુદ્ધ મતદાનના પ્રયાસો કરવામાં આવશે. પરસોત્તમ રૂપાલાની હાર નિશ્ચિત કરીને જ રહીશું. વધુમાં ક્ષત્રિય સંકલન સમિતિના રમજુભા જાડેજાનું નિવેદન આપ્યું હતું કે, સમાજ સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય તે માટે રાજપૂત સમાજે ધ્યાન રાખવાનું છે. દરેક સમાજ રાજપૂત સમાજની સાથે જ છે, આ લડત ગુજરાતની અસ્મિતાની છે. 

રાજકોટમાં રાજપૂત સમાજના અગ્રણી દેવેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે, વાંકાનેરમાં અમારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આજે શક્તિપીઠ અંબાજીથી ધર્મરથનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં 1000 કારનો કાફલા સાથે રથ કાઢવામાં આવશે. હવે આ ક્ષત્રિય આંદોલનની આગ માત્ર રાજકોટ લોકસભા બેઠક પૂરતી રહી નથી પરંતુ તે હવે અનેક બેઠકો પર અસર કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news