2017માં કોંગ્રેસે લીધેલા બદલાનો મેં આ રીતે બદલો લીધો, કોઈ માઈનો લાલ મને અડીને જુએ: કુંભાણી

Nilesh Kubhani Statement: કોંગ્રેસના સુરત લોકસભા બેઠકના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ આવીને કેટલાક મહત્વના ખુલાસા કર્યા છે. નિલેશ કુંભાણીએ આજે મીડિયા સમક્ષ હાજર થયા હતા અને સમગ્ર ઘટનાક્રમ શું હતો? ક્યાં છુપાયા હતા તે તમામ વાતો પર ખુલાસો કર્યો હતો.

 2017માં કોંગ્રેસે લીધેલા બદલાનો મેં આ રીતે બદલો લીધો, કોઈ માઈનો લાલ મને અડીને જુએ: કુંભાણી

Nilesh Kubhani Statement: લોકસભા ચૂંટણીના મતદાન પહેલા ભાજપની ઝોળીમાં બેઠક મુકી દેનારા કોંગ્રેસના સુરત લોકસભા બેઠકના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ આવીને કેટલાક મહત્વના ખુલાસા કર્યા છે. નિલેશ કુંભાણીએ આજે મીડિયા સમક્ષ હાજર થયા હતા અને સમગ્ર ઘટનાક્રમ શું હતો? ક્યાં છુપાયા હતા તે તમામ વાતો પર ખુલાસો કર્યો હતો. એટલું જ નહીં, પ્રતાપ દુધાતે જે ધમકી આપી હતી, તેનો પણ મૂંહતોડ જવાબ આપ્યો હતો. કુંભાણીએ જણાવ્યું હતું કે કોઈ માઈનો લાલ પેદા નથી થયો કે મને મારી શકે. 

કોંગ્રેસે 2017માં મારી સાથે બદલો લીધો એટલે મેં આ પરિવાર સાથે બદલો લીધો
નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, મેં કોઈ કોંગ્રેસ સાથે ગદ્દારી કરી નથી. કોંગ્રેસના સુરતના 5 નેતાઓના કારણે મેં આ કર્યું હતું. મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. હું અને મારા ટેકેદારો એક સાથે છીએ. કોંગ્રેસે વિરોધ કરવાનું શરૂ કર્યું એટલે મારે આ પગલું ભરવું પડ્યું. કોંગ્રેસે 2017માં મારી સાથે બદલો લીધો એટલે મેં આ પરિવાર સાથે બદલો લીધો છે. મારા ટેકેદારો અને કાર્યકર્તાઓએ બદલો લીધો અને હું પણ તેમાં સાથે છું. હું પિટિશન કરવા હાઇકોર્ટમાં ગયો હતો પણ કોંગ્રેસે મારા ઘરે વિરોધ કર્યો એટલે હું ગાયબ થયો હતો. અત્યારે હું કોંગ્રેસ સાથે નથી. હવે રાજકારણમાં રહેવું કે ન રહેવું તે બાબતે મારા હિતેચ્છું સાથે ચર્ચા કરીશું. કુંભાણીએ પોતાના ટેકેદારોનું અપહરણ થયું નથી તે વાત સ્વીકારી હતી.

કોંગ્રેસે મારી સાથે પહેલા ગદ્દારી કરી હતી
કુંભાણીએ કહ્યું કે, મેં કોંગ્રેસના નામે કોરોના કાળમાં સેવા કરી હતી. પાંચ લોકો જ છે જેઓ જ મારો વિરોધ કરતા હતાં પરંતુ તેમને જોઈ લો તેઓ મારી કોઈ સભામાં દેખાયા જ નથી. જે લોકો કોંગ્રેસમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટી જતા રહ્યાં હતા. તેઓ અત્યારે વિરોધ કરી રહ્યાં છે. જે લોકો વિરોધ કરે છે તેઓને કામ કરવું નથી અને કરવા દેવું પણ નથી. કોંગ્રેસે મારી સાથે પહેલા ગદ્દારી કરી ચુકી છે. 2017માં ટિકિટ આપ્યા પછી કાપી નાંખી હતી અને તે પણ છેલ્લી ઘણીએ કાપી હતી.

અત્યાર સુધી હું સૌરાષ્ટ્રમાં મારી વાડી અને ઘરે હતો
કુંભાણીએ જણાવ્યું હતું કે, મને કોંગ્રેસે ટીકિટ આપી ત્યારથી મારી સાથે કોંગ્રેસના કાર્યકર્તા, નેતાઓ સાથ આપતા નહોતો. ડોર ટૂ ડોર પ્રચારમાં કોઇ સાથે આવતા નહોતા. કોંગ્રેસના નેતાઓ પણ સાથ આપતા નહોતા. અત્યાર સુધી હું સૌરાષ્ટ્રમાં મારી વાડી અને ઘરે હતા. તેમણે કહ્યું, હું અમદાવાદ જતો હતો ત્યાં કરજણ પહોંચ્યો ત્યાં મારા ઘરે કોંગ્રેસના નેતા આવી વિરોધ કરવા લાગ્યા હતા. મારા ભાજપ સાથે કોઇ સબંધ નથી.

મારૂં ફોર્મ કોંગ્રેસ એડવોકેટે ભર્યું હતું
નિલેશ કુંભાણીએ કહ્યું કે, હું ભાજપ નહીં મારી ગાડીમાં ગયો હતો. ધક્કા-મુક્કી ના થાય તે માટે પાછલા દરવાજેથી ગયો હતો. મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર હતા. મારૂં ફોર્મ કોંગ્રેસ એડવોકેટે ભર્યું હતું. મારે આરોપ લગાવીને કોઈને મોટા નથી કરવા. 

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. જો કે, 1 મેના રોજ રાત્રે સરથાણામાં નિલેશ કુંભાણી પોલીસ બંદોબસ્ત સાથે ઘરે પહોંચ્યા હતા. પરંતુ સવારે તબિયત ખરાબ હોવાનું જણાવીને ફરીથી તેઓ ગાયબ થઈ ગયા હતા. પરંતુ આજે સાંજે નિલેશ કુંભાણી મીડિયા સામે આવ્યા હતા અને ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news