ઓલિમ્પિકની યજમાની માટે કેવી છે ગુજરાતની તૈયારીઓ? જાણો કેવી તૈયારીઓમાં જોતરાયું તંત્ર

ઓલિમ્પિક માટે રાજ્ય સરકારે એક કંપનીની રચના કરી છે. ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની નામની આ સંસ્થામાં રાજ્યના શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ, AMCના કમિશનર અને ઔડાના અધિકારીઓને સ્થાન અપાયું છે.

ઓલિમ્પિકની યજમાની માટે કેવી છે ગુજરાતની તૈયારીઓ? જાણો કેવી તૈયારીઓમાં જોતરાયું તંત્ર

ઝી બ્યુરો/અમદાવાદ: વર્ષ 2036ના ઓલિમ્પિક માટે બીડ કરવા ગુજરાત સરકારે તૈયારીઓ આદરી છે. રાજ્ય સરકારે ઓલિમ્પિકના આયોજન માટે એક અલગ કંપની પણ બનાવી દીધી છે. સાથે જ જુદી જુદી રમતો અને ઓલિમ્પિક વિલેજ તૈયાર કરવા માટે જગ્યાઓની પસંદગીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ત્યારે કઈ છે આ જગ્યાઓ?

દુનિયાભરમાં રમતોના સૌથી મોટા મહાકુંભ ઓલિમ્પિકનું આયોજન પોતાનામાં એક મહાકાય કવાયત છે. વર્ષો અગાઉથી તેનું આયોજન અને તૈયારીઓ કરવી પડે છે. ગુજરાત 2036ના ઓલિમ્પિકનું યજમાન છે, ત્યારે અત્યારથી જ સરકારે આ માટેની તૈયારીઓ આદરી છે. ઓલિમ્પિક માટે રાજ્ય સરકારે એક કંપનીની રચના કરી છે. ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની નામની આ સંસ્થામાં રાજ્યના શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ, AMCના કમિશનર અને ઔડાના અધિકારીઓને સ્થાન અપાયું છે.

મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને બનેલી એડવાઈઝરી કમિટીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કામગીરી થઈ રહી છે. આ કમિટી ઓલિમ્પિક હેઠળ આવરી લેવાયેલી જુદી જુદી રમતો માટેની જગ્યાઓની પસંદગીનું કામ પણ કરી રહી છે. ઓલિમ્પિકના આયોજન માટે રાજ્યના 131 સ્થળોની ચકાસણી કરવામાં આવી છે. 56 સ્થળો પર કનેક્ટીવિટી, ક્ષમતા, વિસ્તરણ ક્ષમતા સહિતના માપદંડોનું વિસ્તૃત મુલ્યાંકન કરાયું છે. ગેપ એસેસમેન્ટ રિપોર્ટમાં ઓલિમ્પિક માટે રાજ્યની 33 સાઇટ નક્કી કરવામાં આવી છે. જેમાંથી 22 સિંગલ સ્પોર્ટસ અને 11 મલ્ટીસ્પોર્ટસના લોકેશન છે. આ 33 જગ્યાઓમાંથી અમદાવાદમાં 17, ગાંધીનગરમાં 6 અને બાકીની અન્ય જગ્યાઓ છે. અમદાવાદમાં ભાટની 220 એકર જમીનમાં ઓલિમ્પિક સ્પોર્ટ્સ વિલેજ અને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ નજીકની 300 એકર જમીનમાં ઓલિમ્પિક વિલેજ બનાવવા વિચારણા ચાલી રહી છે.

15 ઓક્ટોબર સુધી ક્યાં કેવી સુવિધા ઊભી કરી શકાય તે અંગે નિર્ણય લેવામાં આવશે. અમદાવાદના નારણપુરા ખાતે તૈયાર થનાર સ્પોર્ટસ કોમ્પલેક્ષ તેમજ અનંત યુનિવર્સીટી ખાતે પણ કેટલીક રમતોનુ આયોજન કરવામાં આવશે. ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ પાસેના એક્ઝીબીશન હોલનો પણ ઓલિમ્પિક માટે ઉપયોગ થઈ શકે છે. ટ્રાયથ્લોન માટે સ્ટેચ્યુ ઓફ યુનિટિ નજીકના પર્વતો અને પોળોના જંગલના સર્વે કરાયો છે, જ્યારે દરિયાઇ રમતો માટે દ્વારકાના શિવરાજપુર બીચની પંસદગી થઈ શકે છે.

ગુજરાતમાં ઓલિમ્પિકના સ્થળોની પસંદગી આગામી નવેમ્બર મહિના સુધી પૂરી થવાની શક્યતા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ પાંચ હજાર કરોડ રૂપિયા જેટલો ખર્ચ થાય તેવી શક્યતા છે. જેમાંથી મોટાભાગનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે. 2036ના ઓલિમ્પિક માટે અમદાવાદ હોસ્ટ સિટી બનશે. આ આયોજન શહેરની સુરત બદલી નાંખશે. જો કે તેની પાછળની તૈયારીઓ તંત્ર અને સરકાર માટે વહીવટી ક્ષમતાની કસોટી છે. 

દુનિયાભરના રમતવીરો અને પ્રેક્ષકો જ્યારે ગુજરાતમાં આવશે, ત્યારે દુનિયાભરની નજર અમદાવાદ પર હશે. આ માટે એરપોર્ટ, રેલવે સ્ટેશન, હોટેલ્સ અને રોડ રસ્તા જેવી સુવિધાઓ વિશ્વસ્તરની હોય તે જરૂરી છે. આ જ કારણ છે કે 13 વર્ષ પહેલાં જ સરકાર સક્રિય થઈ છે. તે પહેલાં 2024નો ઓલિમ્પિક પેરિસમાં, 2028માં લોસ એન્જલસમાં અને 2032નો ઓલિમ્પિક ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં યોજાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news