Gujarat Assembly Election 2022: 833 ઉમેદવારોનું ભાવિ EVM માં થયું કેદ, 8 ડિસેમ્બરે થશે ફેંસલો

Gujarat Assembly Election 2022: બીજા તબક્કામાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી તમામ 93 પર લડી રહી છે. જ્યારે કોંગ્રેસ માત્ર 90 સીટો પર ચૂંટણી લડી રહી છે. આ સિવાય કોંગ્રેસના સહયોગી એનસીપીએ બે બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. 

Gujarat Assembly Election 2022: 833 ઉમેદવારોનું ભાવિ EVM માં થયું કેદ, 8 ડિસેમ્બરે થશે ફેંસલો

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કામાં આજે 93 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મતદાન પૂર્ણ થયા બાદ તરત જ એક્ઝિટ પોલના પરિણામો સામે આવશે, જેના કારણે ગુજરાતમાં આ વખતે કોની સરકાર બનવા જઈ રહી છે તે કેટલાંક અંશે સ્પષ્ટ થઈ જશે. અમે તમને એક્ઝિટ પોલના તમામ પાસાઓ વિશે માહિતી આપીશું. ગુજરાતમાં બીજા તબક્કામાં કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. 

બીજા તબક્કામાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી તમામ 93 પર લડી રહી છે. જ્યારે કોંગ્રેસ માત્ર 90 સીટો પર ચૂંટણી લડી રહી છે. આ સિવાય કોંગ્રેસના સહયોગી એનસીપીએ બે બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. અન્ય પક્ષોની વાત કરીએ તો માયાવતીના નેતૃત્વવાળી બહુજન સમાજ પાર્ટી એટલે કે બસપા પાસે 44 ઉમેદવારો છે અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી પાસે 12 ઉમેદવારો છે. 1 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું, જેમાં 89 બેઠકો પર 63.31 ટકા મતદાન થયું હતું. ગુજરાત ચૂંટણી 2022 ના એક્ઝિટ પોલ વિશે અહીં જાણો.

બીજા તબક્કાના મતદાન બાદ ગુજરાતમાં ઘણા મોટા પાયે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કયા પક્ષને બહુમતી મળશે અને કોની સરકાર બનશે. આજે બીજા તબક્કાના મતદાન દરમિયાન સવારે થોડું નીરસ માહોલ જણાતું હતું પરંતુ ત્યાર પછી બપોર પછી થોડી સ્પીડ પકડી હતી અને આખરે ઘણું ખરું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું.

કેવું હતું 2017નું પરિણામ?
ગત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાની 93 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને 51 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 39 બેઠકો મળી હતી. આ સિવાય ત્રણ બેઠકો અપક્ષ ઉમેદવારોના ફાળે ગઈ હતી.

પહેલા તબક્કાના મતદાનની ટકાવારી
ગુજરાતમાં પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજોયું હતું. મતદાનના બીજા દિવસે ચૂંટણી પંચ તરફથી મતદાનના અધિકૃત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે 19 જિલ્લાની 89 બેઠકો પર 63.14 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 78.24 ટકા નોંધાયું છે. બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 57.58 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી જિલ્લામાં 57.59 ટકા મતદાન નોંધાયું છે. 

બીજા તબક્કામાં 833 ઉમેદવારો
બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થશે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં 69 મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. 13 બેઠકો અનુસુચિત જનજાતિ માટે રિઝર્વ બેઠકો છે. આ સાથે 6 બેઠકો અનુસુચિત જાતિ માટે અનામત છે. બીજા તબક્કાની ચૂંટણીના મતદારોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના 7 મંત્રીઓ, ભાજપના ઉમેદવાર હાર્દીક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા નેતાઓના ભાવિ પણ મતદારો નક્કી કરશે.

સાંજે 6.30 વાગ્યા સુધી  ‘એક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 ના સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના ‘‘એક્ઝિટ પોલ’’  પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા સંદર્ભે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, બિહાર અને છત્તીસગઢની તારીખ 8 નવેમ્બર અને તારીખ 11 નવેમ્બરના રોજ જાહેર થયેલી પેટા ચૂંટણીઓ સંદર્ભે હવે આજે તારીખ 5-12-2022 ને સોમવારે સાંજે 6:30 વાગ્યા સુધી પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના ‘એક્ઝિટ પોલ’ કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે, કે અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર-પ્રસાર નહીં કરી શકે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news