વિધાનસભાના સભ્ય પક્ષપલટો કરે તો તેનું ધારાસભ્ય પદ ચાલુ રહે? જાણો પક્ષાંતર ધારો શું છે અને તે ક્યારે લાગૂ પડે

પેટાચૂંટણી અને રાજીનામા વિના AAP ને વિધાનસભામાંથી આઉટ કરવાનો ભાજપે રચી કાઢ્યો છે ગેમપ્લાન. શું ભાજપને વિધાનસભામાં ઝાડુ પસંદ નથી? ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે 156 સીટ મળી છે જ્યારે કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટી ને 5 જ્યારે 4 સીટ અપક્ષના ફાળે ગઈ છે. એક રીતે જોઈએ તો ભાજપની એવી કોઈ કટોકટીભરી સ્થિતિ નથી કે તેમને વધુ ધારાસભ્યની જરૂર ઊભી થાય, તેમ છતાં પોતાનું સંખ્યાબળ વધારવું હોય અથવા અન્ય પક્ષનો ટેકો જોઈતો હોય તો તેને એક ચોક્કસ બંધારણીય પ્રક્રિયા અનુસરવી પડે તેમ છે.

વિધાનસભાના સભ્ય પક્ષપલટો કરે તો તેનું ધારાસભ્ય પદ ચાલુ રહે? જાણો પક્ષાંતર ધારો શું છે અને તે ક્યારે લાગૂ પડે

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. 8 ડિસેમ્બરે આવેલાં પરિણામો મુજબ ભાજપને ગુજરાતની જનતાએ આ ચૂંટણીમાં ઐતિહાસિક જીત અપાવી છે. કુલ 182 બેઠકો પૈકી ભાજપને 156, કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને 5 જ્યારે અન્યને 4 સીટો મળી છે. જેમાં એક સીટ સમાજવાદી પાર્ટીને જ્યારે 3 સીટો અપક્ષ ઉમેદવારને મળી છે. આવી સ્થિતિમાં હવે ભાજપ વિધાનસભામાંથી ઝાડુને આઉટ કરવાનો પ્લાન ઘઢી રહ્યું છે. આમ આદમી પાર્ટીના વીસાવદરથી ચૂંટાયેલાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આડકતરી રીતે ભાજપમાં જોડાવાના સંકેતો આપતા ગુજરાતમાં રાજકીય હડકંપ મચી ગયો છે. જોકે, કેમેરા સામે હાલ પુરતી તેમણે આ વાતને અફવા ગણાવીને થોડો સમય લેવાનું નક્કી કર્યું હોય તે સ્પષ્ટ જણાઈ આવે છે.

કારણકે, તેમની સાથે આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્યો પણ ભાજપમાં જોડાય અથવા ભાજપને સમર્થન જાહેર કરે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. બીજી બાજુ ત્રણેય અપક્ષ ઉમેદવારો પહેલાંથી જ ભાજપને સમર્થન જાહેર કરી ચૂક્યા છે. ત્યારે સવાલ એ થાય કે જો કોઈ પક્ષના ધારાસભ્ય પક્ષપલટો કરીને બીજા પક્ષમાં જોડાય તો તેનું ધારાસભ્ય પદ ચાલુ રહે કે નહીં? પક્ષાંતરધારો શું હોય છે તે ક્યારે લાગૂ પડે અને તેનાથી શું થઈ શકે? 

ધારાસભ્યોને પક્ષમાં સામેલ કરવા બંધારણીય રીતે શું શું કરવું પડે?
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે 156 સીટ મળી છે જ્યારે કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટી ને 5 જ્યારે 4 સીટ અપક્ષના ફાળે ગઈ છે. એક રીતે જોઈએ તો ભાજપની એવી કોઈ કટોકટીભરી સ્થિતિ નથી કે તેમને વધુ ધારાસભ્યની જરૂર ઊભી થાય, તેમ છતાં પોતાનું સંખ્યાબળ વધારવું હોય અથવા અન્ય પક્ષનો ટેકો જોઈતો હોય તો તેને એક ચોક્કસ બંધારણીય પ્રક્રિયા અનુસરવી પડે તેમ છે. સૌ પહેલા આમ આદમી પાર્ટી વિશે વાત કરીએ તો, જો ભાજપ વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટીના ઝાડુ સિમ્બોલને નથી જોવા માંગતો તો તેના ધારાસભ્યોને પક્ષની અંદર ભેળવવા પડે અથવા તો સમર્થન મેળવવું પડે. હવે આ ધારાસભ્યોને પક્ષમાં ભેળવવા બંધારણીય રીતે શું શું કરવું પડે?

વિકલ્પ - (1)
જો આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યને ભાજપમાં જોડાવું હોય તો સૌ પ્રથમ આમ આદમી પાર્ટીના વડાને અને બાદમાં પોતાના ધારાસભ્ય પદ પરથી વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપવું પડે અને તે પછી જે તે સભ્ય ભાજપમાં જોડાઈ શકે, પરંતુ ધારાસભ્ય પદે રહી શકે નહી. જો આ પ્રક્રિયા જે તે ઉમેદવાર અનુસરતા નથી તો તેમની સામે પક્ષાંતર ધારો લાગુ થાય અને ઉમેદવાર ગેરલાયક ઠરે છે. રાજીનામું આપ્યા બાદ સત્તાવાર રીતે વિધાનસભા અધ્યક્ષ આ બેઠકને ખાલી જાહેર કરે છે અને બેઠક ખાલી જાહેર કર્યાના છ મહિનાની અંદર જે તે બેઠક પર પેટા ચૂંટણી યોજાય છે. આ સંજોગોમાં ભાજપ ફરીથી આ સીટ જીતી પણ શકે અને ના પણ જીતી શકે તેવી શક્યતા રહી છે.

વિકલ્પ - (2)
જો આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યએ ભાજપમાં જોડાવવું હોય તો સૌ પ્રથમ તેમણે આમ આદમી પાર્ટીમાંથી પાર્ટી વડાને અને બાદમાં પોતાના ધારાસભ્ય પદ પરથી વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપવું પડે, જે બાદ જે તે સભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. પરંતુ ધારાસભ્ય તરીકે રહી શકે નહીં. જો આ પ્રક્રિયા જે તે ઉમેદવારો અનુસરતા નથી તો તેમની સામે પક્ષાંતર ધારો લાગુ થાય અને ઉમેદવાર ગેરલાયક ઠરે છે. રાજીનામું આપ્યા બાદ સત્તાવાર રીતે વિધાનસભા અધ્યક્ષ આ બેઠકને ખાલી જાહેર કરે છે અને બેઠક ખાલી જાહેર કર્યાના છ મહિનાની અંદર જે તે બેઠક પર પેટાચૂંટણી યોજાય છે. આ સંજોગોમાં ભાજપ ફરીથી આ સીટ જીતી પણ શકે અને ના પણ જીતી શકે તેવી શક્યતા રહી છે.

વિકલ્પ - (3)
જો આમ આદમી પાર્ટીના ત્રણ એટલે કે 2/3 ધારાસભ્ય (હાલના ચૂંટાયેલા 5 પૈકી 2/3 ધારાસભ્ય) ભાજપને સમર્થન આપવા માંગતા હોય તો 2/3 ધારાસભ્યોએ અલગ જૂથ બનાવી અને વિધાનસભા અધ્યક્ષ પાસે ભાજપને સમર્થન આપવા માટેની દરખાસ્ત મૂકવી પડે. જો સ્પીકર તેઓને મંજૂરી આપે છે તો 2/3 ધારાસભ્યો ભાજપના સમર્થનમાં ગણાઇ શકે છે અને તેમની પર પક્ષાંતર ધારો લાગુ થાય નહી અને તેમણે પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું પણ આપવાની જરૂર રહેતી નથી. આમ છતાં, તેઓ ભાજપના સમર્થિત જૂથના ધારાસભ્ય ગણાય ના કે ભાજપ પક્ષના ધારાસભ્ય. જો આવી પરિસ્થિતિ સર્જાય છે તો પણ ભાજપના ધારાસભ્યોની સંખ્યા 156 જ રહે છે. પરંતુ સમર્થિત ધારાસભ્યોની સંખ્યા વધી શકે છે. આ પ્રકારનું તાજું ઉદાહરણ છે મહારાષ્ટ્રમાં રચાયેલી નવી સરકાર.

વિકલ્પ - (4)
આમ આદમી પાર્ટીનો સિમ્બોલ સંપૂર્ણપણે વિધાનસભામાંથી દૂર કરવા માટે ભાજપે આમ આદમી પાર્ટીના તમામ સભ્યોને પક્ષની અંદર સમાવવા કે સમર્થન માટે તૈયાર કરવા પડે. આ માટે તમામ ધારાસભ્યો એક નવુ ગ્રુપ રચે અને ભાજપને સમર્થન માટે સ્પીકર સમક્ષ દરખાસ્ત મૂકે. જો સ્પીકર આ દરખાસ્ત મંજૂર કરે છે તો નવા રચાયેલા ગ્રુપ ને અલગ ગ્રુપ તરીકે માન્યતા મળે અને ભાજપને ટેકો જાહેર કરી અલગ ગ્રુપ તરીકે સમર્થન આપી શકે. પક્ષાંતર ધારો લાગુ ન થઈ શકે તે માટે આ જૂથ બનાવવું પડે તેમ છે. આમ છતાં ભાજપના ધારાસભ્યો તો 156 જ રહેશે. પરંતુ તેના સમર્થિત ધારાસભ્યની સંખ્યામાં વધારો થઈ શકે છે. આ રીતે પાંચેય સભ્યો ભાજપમાં જોડાય તો તેને અલગ જૂથ તરીકે માન્યતા મળે અને આમ આદમી પાર્ટીનું વિધાનસભામાં અસ્તિત્વ શૂન્ય થઈ જાય.

 

અપક્ષ ધારાસભ્ય કોઈ પક્ષમાં જોડાય તો પેટાચૂંટણી થાય?
આ સવાલને આપણે આ રીતે સમજીએ કે, ગુજરાતમાં અપક્ષના ત્રણ અપક્ષ ધારાસભ્યો ચૂંટાયા છે. આ ધારાસભ્યો દ્વારા પણ અંગત રીતે બેઠક કરીને ભાજપમાં જોડાવા માટેની વાત મીડિયા સમક્ષ કરવામાં આવી છે. પરંતુ બંધારણીય દ્રષ્ટિએ જોઈએ તો અપક્ષ ધારાસભ્ય પણ કોઈ પક્ષમાં જોડાઈ ન શકે. જો તેઓ કોઈ પક્ષમાં જોડાય છે તો તેમણે પણ પોતાની બેઠક પરથી વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપવું પડે. વિધાનસભા અધ્યક્ષ બાદમાં આ બેઠક ખાલી જાહેર કરે ત્યારે જે તે બેઠક પર પેટા ચૂંટણી યોજાય. આમ, અપક્ષ ધારાસભ્ય પણ ભાજપને માત્ર ટેકો કે સમર્થન જ જાહેર કરી શકે પરંતુ ભાજપમાં કે અન્ય પક્ષમાં જોડાઈ શકે નહીં. ભૂતકાળમાં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા જીજ્ઞેશ મેવાણીએ પણ કોંગ્રેસને ટેકો આપ્યો હતો. સાવલી બેઠક પર અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કેતન ઇનામદારે પણ ભાજપને ટેકો જ આપ્યો હતો. આમ, વ્યક્તિગત રીતે કોઈ પણ ધારાસભ્ય કોઈ પક્ષમાં જોડાય છે તો સૌ પહેલા તે પોતાનું ધારાસભ્ય પદ ગુમાવે છે. સિવાય કે આખા પક્ષના કે પક્ષના 2/3 ધારાસભ્યો અન્ય કોઈ પક્ષને સામૂહિક રીતે સમર્થન આપે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news