રંગ બદલતું રાજકારણ : જોઈતા પટેલ, દેવ પગલી અને હકાભા ભાજપમાં જોડાયા, પણ કલસરિયાનું મન ન માન્યું, અરવિંદ ચૌધરી ફરી કોંગ્રેસમાં ગયા

Gujarat Loksabha Elections : લોકસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલી છે, આ વચ્ચે આજે ભરતી મેળામાં કંઈક નવુ જોવા મળ્યું... કોણ ભાજપમાં ગયું કોણ કોંગ્રેસમાં ગયુ તે જોઈએ
 

રંગ બદલતું રાજકારણ : જોઈતા પટેલ, દેવ પગલી અને હકાભા ભાજપમાં જોડાયા, પણ કલસરિયાનું મન ન માન્યું, અરવિંદ ચૌધરી ફરી કોંગ્રેસમાં ગયા

Gujarat Politics : સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામા બાદ પણ ભાજપનો ભરતી મેળો યથાવત છે. આજે કમલમમાં આયોજિત ભરતી મેળામાં મોટા માથા ભાજપમાં જોડાયા છે. પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કેસરિયા કર્યા. તો લોક કલાકાર હકાભા ગઢવી અને એક્ટર દેવ પગલી પણ ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતું. તો ડીસાના અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર પણ ભાજપમાં જોડાયા છે. આજે દેશમાં વિકાસનું વાતાવરણ હોવાનું ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જણાવ્યું. તેમણે કહ્યું કે, .યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તેવા પ્રયાસ કરાયા. દેશમાં 22 નવી AIIMS શરૂ થશે. PM મોદી રાજકારણ નહીં પરંતુ રોજ નવો ઈતિહાસ લખે છે. રેલવેનો પ્રવાસ પહેલા દુઃખદ હતો. આજે રેલવેની કાયાપલટ થઈ છે.
 
દેવ પગલી અને હકાભા ભાજપમાં જોડાયા 
જાણીતા ગાયક દેવ પગલીએ ભાજપમાં જોડાઈને કહ્યું કે, જે રામના નહિ, જે ભાજપને મત નહિ આપે એ દેશદ્રોહી છે. મોદી, શાહ અને યોગી બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો અવતાર છે. તો લોક કલાકાર હકાભાએ પોતાના અંદાજમાં કહ્યું કે, રામને લાવ્યા એટલે ભાજપનો સાથ આપવો પડે. વરસાદ આવવાની પહેલાં પવન આવે એ રીતે હાલ પવન છે. ચૂંટણી પરિણામમાં વરસાદ આવશે. રામને લાવ્યા છે તો રામ 400 પાર કરાવશે. 

દક્ષિણ ગુજરાતમાં ભાજપને ઝટકો
દક્ષિણ ગુજરાતમાં ભાજપને ડબલ ઝટકો મળ્યો છે. ભાજપના નેતા અરવિંદ ચૌધરી ફરી એકવાર કોંગ્રેસમાં જોડાયા છે. તો વ્યારાના પૂર્વ તાલુકા મહામંત્રી કેવજી ચૌધરીએ પણ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો. કોંગ્રેસ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે 2017 માં વ્યારા વિધાનસભાના બીજેપી પક્ષે ઉમેદવાર રહેલા અરવિંદ ચૌધરી ફરી કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ કોંગ્રેસમાંથી પાંચ ટર્મ તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા હતા. તેઓ  વર્ષ 2017 માં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. તેઓ આજે ફરી ઘરવાપસી કરી છે. ડો. તુષાર ચૌધરી હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. બીજેપીના પૂર્વ વ્યારા તાલુકા મહામંત્રી કેવજી ચૌધરીએ પણ ડો.તુષાર ચૌધરી ના હસ્તે વિવિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા.

કનુ કલસરિયાનું મન ન માન્યું 
ભાવનગર તળાજા તાલુકાના મણાર ગામે મળેલ ખેડૂતોની જાહેર સભામાં કનુભાઈ કળસરિયાએ ખુલાસો કર્યો કે, તેઓ ભાજપમાં નથી જતા. લાંબા સમયથી કનુ કળસરિયાની ભાજપમાં જોડાવાની ચાલી રહેલ ચર્ચા ઉપર કનુભાઈએ નિવેદન આપી પૂર્ણ વિરામ મુક્યો છે. કનુભાઈએ જણાવ્યું કે, લોકોએ મને ભાજપમાં જોડાવવા ખૂબ કહ્યું, પણ ભાજપમાં જોડાવવા માટે મારુ મન માનતું નથી, માન્યું નથી અને માનશે પણ નહીં. કોઈ મોહમાં પડીને શું કરવું જો આ પાર્ટીમાં જઈ ખેડૂતોનું હિત થતું હોય તો જાઉં. પણ આ પાર્ટીની વાત મને ગળે ના ઉતરતા મેં ભાજપમાં જવાનું માંડી વાળ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news