કોંગ્રેસ નેતાની રાજકીય 'સળી'; વાસણભાઈ આહીરની અવગણના ભાજપને ભારે પડશે!

Loksabha Election 2024: પૂર્વ રાજ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા વાસણભાઈ આહીરની અવગણના ભાજપને ભારે પડશે.આ પત્રમાં કચ્છ જીલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી.કે.હુંબલે વાસણભાઇ આહિરની વિવિધ રીતે ભાજપ દ્વારા થતી અવગણના બાબતે ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા છે

કોંગ્રેસ નેતાની રાજકીય 'સળી'; વાસણભાઈ આહીરની અવગણના ભાજપને ભારે પડશે!

Loksabha Election 2024: લોકસભા સામાન્ય ચૂંટણીના મતદાનને 10 દિવસ બાકી છે ત્યાં કચ્છમાં લેટર બૉમ્બ સામે આવ્યું છે. જેમાં આહીર સમાજ અગ્રણી અને કોંગ્રેસના પ્રદેશ નેતા વી.કે.હુંબલનો લેટર વાયરલ થયો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે પૂર્વ રાજ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા વાસણભાઈ આહીરની અવગણના ભાજપને ભારે પડશે.આ પત્રમાં કચ્છ જીલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી.કે.હુંબલે વાસણભાઇ આહિરની વિવિધ રીતે ભાજપ દ્વારા થતી અવગણના બાબતે ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા છે

કચ્છમાં આહીર સમાજની મોટી સંખ્યામાં વસ્તી છતાં સ્થાનિક નેતાઓની અવગણનાનો આક્ષેપ
હુંબલે જણાવ્યું હતું કે ભાજપના કદાવર અને મોટા ગજાના નેતા વાસણ આહિરની સાંસદ વિનોદ ચાવડા દ્વારા સતત અવગણના તેમને જ ભારે પડશે. કચ્છ લોકસભાની ચૂંટણીમાં સાંસદ વિનોદ ચાવડા તેમજ ભાજપ પક્ષ તરફથી ભાજપના જ એક કદાવર આહિર નેતા વાસણભાઈ આહિરની સતત અવગણના કરવામાં આવી રહી છે અને તેમને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે. આ અવગણના ભાજપને ભારે પડી શકે તેમ છે. કારણ કે ચૂંટણી પ્રચારમાં કોઈ પણ રિસાયેલ હોય તો પણ તેમને મનાવવાના પુરા પ્રયાસો થાય છે. પરંતુ અહી તો નવાઈની વાત તો એ છે કે સમગ્ર કચ્છ વિસ્તારમાં સૌથી વધારે જનાધાર ધરાવતા કદાવર આહિર સમાજના નેતાને પ્રચારમાં આવવાનું પણ કહેવામાં આવતું નથી આ ભાજપનો અભિમાન અને અહંકાર છે તેવું જણાવ્યું હતું.

જોકે પોતાના જ સમાજના ભાજપના ધારાસભ્ય અને જીલ્લા પ્રમુખનો કોઈ ઉલ્લેખ નહીં
જો કે સમાજના નામે વી.કે.હુંબલના આ પત્રએ સમગ્ર કચ્છમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યું છે, પરંતુ પોતાના સમાજના જ કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ દેવજીવાર ચંદ અને અને અંજારના ધારાસભ્ય ત્રિકમ આહિરનો ક્યાય પત્રમાં ઉલ્લેખ ન કરી માત્ર કચ્છના સાંસદને ઉદ્દેશીને લખાયેલો પત્ર ખરેખર સમાજની ચિંતા છે કે પછી બીજુ કાઇ તેને લઇને ભાજપ કરતા કોગ્રેસમાં વધુ ચર્ચા થવા લાગી છે. 

વિનોદ ચાવડા પર આક્ષેપો
વધુમાં અવગણના બાબતે દાવો કરતા જણાવ્યું હતું કે હાલના સાંસદના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા આહિર સમાજને સતત અવગણના કરી વિધાનસભાની ટીકીટ વખતે પણ તેઓ પ્રદેશ મહામંત્રી હોવાને નાતે વાસણ આહિરને નુકસાન કરેલ છે અને જેને ટીકીટ કપાવવામાં મોટો રોલ ભજવેલ છે. તેવી જ રીતે તાલુકા જીલ્લા પંચાયત કે નગરપાલિકાઓમાં પણ આહિર સમાજની સતત અવગણના થયી રહેલ છે જેથી વાસણ આહિર ના ટેકેદારો અને ચાહકોમાં ખુબ આક્રોશનો આક્ષેપ કર્યો જે ભાજપ ભોગવવાની તૈયારી રાખે. પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર સમગ્ર કચ્છમાં મોટો જનાધાર ધરાવે છે તેમજ દરેક સમાજ સાથે અઢારેય વર્ણ સાથે તેઓ લાગણીથી જોડાયેલ છે અને સૌથી વધારે કચ્છ જીલ્લામાં ભાજપના મોટો ચાહક વર્ગ તેમની સાથે જોડાયેલ છે ત્યારે તેમની અવગણના ઈરાદાપૂર્વક કરી અને વાસણભાઈ આહીર અને એના પરિવારને ભાજપના નેતાઓ કદ પ્રમાણે વેતરી દેવા માંગે છે.

વાસણ આહિર 1995 થી 2022 સુધી સતત જીતતા આવ્યા છે અને તેમના હરીફ ઉમેદવાર હોવા છતાં તેઓ માને છે કે તેમની લોકપ્રિયતા તેમજ તમામ વર્ગ સમાજ સાથે જોડાયેલી છે. અને તેઓ સામસામે ચૂંટણી પણ લડ્યા છે અને વાસણ આહીર લોકપ્રિય નેતા છે અને દરેક વર્ગ સાથેના તેના સંબંધો છે.આવા લોકપ્રિય નેતાનું સતત અપમાન કરવું, અવગણના કરવી, સાઈડલાઈન કરવા જે સમગ્ર આહીર સમાજનું પણ અપમાન છે અને સમગ્ર જીલ્લામાં એમના ચાહકવર્ગો કાર્યકરો ધારે તો કચ્છની લોકસભાની ચૂંટણીમાં વિનોદ ચાવડાને ભારે પડી શકે તેમ છે અને એનો અનુભવ અગાઉ ભાજપ પક્ષને થયી ચૂકેલ છે.અગાઉ 2002 માં જયારે વાસણભાઈ ગોપાલભાઈ આહિરની ટીકીટ કપાઈ હતી ત્યારે ચાર વિધાનસભાની બેઠકો ભાજપે ગુમાવેલ હતી. આ વાસણ ગોપાલના ચાહકો અને કાર્યકરોનો ગુસ્સો હતો. તેવું જ આ લોકસભામાં પણ થાય તેમ છે તેવું પૂર્વ વિપક્ષી નેતાએ જણાવ્યું હતું.

હાલમાં જ અંજાર વિધાનસભા ભાજપ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં પણ નિમંત્રણ કાર્ડમાં પણ આ કદાવર નેતાનું નામ લખવાનું પણ સૌજન્ય ભાજપે દાખવેલ નહિ. તેવી જ રીતે અંજાર મધ્યે આહીર સમાજનું ભાજપનું સંમેલન રાખવામાં આવેલ જેમાં પણ આવા કદાવર નેતાને ક્યાય સ્થાન આપવામાં આવેલ નહિ! જેથી આહીર સમાજમાં પણ ભારોભાર આક્રોશનો માહોલ હોવાનો આક્ષેપ કર્યો હતો. અત્યારના માહોલમાં ક્ષત્રીય સમાજનું સમગ્ર કચ્છ લોકસભામાં આંદોલન ચાલી રહેલ છે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના છે ત્યારે આહીર સમાજના વાસણભાઈના ચાહકો પણ વિરુદ્ધમાં જાય તો ભાજપને ભારે પડે તેમ છે તેવું વી.કે. હુંબલે જણાવ્યું હતું.

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા આહીર સમાજના લોકોને પણ આપી ચેતવણી
આ ઉપરાંત પત્રમાં તેમણે જણાવ્યું હતું કે સાંસદના ઉમેદવાર વિનોદ ચાવડા કોના દબાણ હેઠળ વાસણ ગોપાલની સતત અવગણના કરે છે જે પણ વિચારવાની અને સમજવાની જરૂરિયાત છે. કોના કહેવાથી વાસણભાઈને સાઈડલાઈન કરવામાં આવે છે.તો આ બાબતે આહીર સમાજના કોંગ્રેસના કાર્યકરો જે ભાજપમાં તાજેતરમાં જોડાયા છે તે આ વાસણભાઈની પરિસ્થિતિ ઉપરથી બોધપાઠ લે અને ભવિષ્યમાં તમારી હાલત શું થવાની છે તે ધ્યાનમાં રાખે તેવી વાત પણ પત્રમાં કરવામાં આવી છે. 

અંતે પત્રમાં વી.કે.હુંબલે સમગ્ર કચ્છ લોકસભાના આહિર સમાજના તમામ યુવાનો, વડીલો, કાર્યકરોને અપીલ કરી છે કે કે આ અભિમાની અને અહંકારી ભાજપને પાઠ ભણાવવા માટે અને વાસણભાઈની અવગણનાનો બદલો આપવા માટે ભાજપના વિરુદ્ધમાં મતદાન થાય. જોકે આ અવગણના બાબતે Zee મીડીયાદ્વારા વાસણ આહિરની સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ સંપર્ક સાધી શકાયો ન હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news