આઈપીએલમાં વિશ્વ કપની ટીમના ખેલાડીઃ શંકર, કુલદીપ અને કાર્તિક રહ્યાં બેઅસર

વિશ્વ કપમાં જનારી ભારતીય ટીમના ખેલાડીઓનું આઈપીએલમાં પ્રદર્શન કેવું રહ્યું. કેટલાક ખેલાડીઓએ જ્યાં પોતાનું ફોર્મ મેળવ્યું તો કેટલાકનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. 

આઈપીએલમાં વિશ્વ કપની ટીમના ખેલાડીઃ શંકર, કુલદીપ અને કાર્તિક રહ્યાં બેઅસર

નવી દિલ્હીઃ ભારતીય પસંદગીકારોએ વિશ્વ કપ માટે બેટિંગ ક્રમમાં બહુચર્ચિત ચોથા સ્થાન માટે વિજય શંકર પર દાવ રમ્યો પરંતુ તમિલનાડુનો આ બેટિંગ ઓલરાઉન્ડર હાલમાં સમાપ્ત થયેલા આઈપીએલમાં અપેક્ષાનુરૂપ પ્રદર્શન કરી શક્યો નથી જેથી ટીમ મેનેજમેન્ટ 30 મેથી શરૂ થઈ રહેલા ક્રિકેટ મહાકુંભમાં તેને લઈને રણનીતિમાં ફેરફાર કરી શકે છે. 

વિજય શંકર જ નહીં ચોથા સ્થાન પર બેટિંગનો અન્ય દાવેદાર દિનેશ કાર્તિક પણ અપેક્ષિત પ્રદર્શન ન કરી શક્યો જ્યારે સ્પિન વિભાગમાં મહત્વનું સ્થાન ધરાવતો કુલદીપ યાદવ સતત સંઘર્ષ કરવાને કારણે કોલકત્તા નાઇટ રાઇડર્સે તેને અંતિમ મેચોમાં બહાર રાખ્યો હતો. 

કેદાર જાધવ પણ જરૂરીયાતના સમયે પોતાની ભૂમિકા પૂરી કરી શક્યો નથી. શંકરે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી 15 મેચોમાં 2033ની એવરેજથી 244 રન બનાવ્યા અને તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 40 રન રહ્યો હતો. શંકર સારી શરૂઆતને મોટી ઈનિંગમાં બદલવામાં નિષ્ફળ રહ્યો હતો. બોલરના રૂપમાં તેને માત્ર પાંચ મેચોમાં આઠ ઓવર કરવાનો મોકો મળ્યો જેમાં તેણે 70 રન આપીને એક વિકેટ ઝડપી હતી. 

વિશ્વ કપની ટીમની પસંદગી સમયે પસંદગીકારોએ અંબાતી રાયડૂ પર શંકરને મહત્વ આપ્યું હતું જ્યારે રિષભ પંતની જગ્યાએ કાર્તિકને 15 સભ્યોવાળી ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પંતે આઈપીએલમાં વચ્ચે વચ્ચે ક્યારેક શાનદાર બેટિંગ કરી પરંતુ કાર્તિક 14 મેચોમાં 253 રન બનાવી શક્યો હતો. તેનાથી વિપરીત પંતે 16 મેચોમાં 488 રન ફટકાર્યા હતા. 

વિશ્વ કપ પહેલા ભારત માટે ચાઇનામેન બોલર કુલદીપ યાદવનું ફોર્મ ચિંતાનો વિષય હશે જેણે 9 મેચોમાં 71.50ની એવરેજથી માત્ર ચાર વિકેટ ઝડપી છે. કુલદીપને વિકેટ ઝડપનાર બોલર માનવામાં આવે છે પરંતુ આ ક્ષેત્રમાં તે અસફળ રહ્યો જેના કારણે કેકેઆરે બાદના મેચમાં તેને બહાર બેસાડ્યો હતો. તેનાથી વિપરીત કુલદીપના સાથી લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે પ્રભાવિત કર્યા અને તેણે આરસીબી તરફથી 14 મેચોમાં 18 વિકેટ ઝડપી હતી. 

વિશ્વ કપની ટીમમાં સામેલ ત્રીજા સ્પિનર જાડેજાએ 16 મેચોમાં 15 વિકેટ ઝડપીને પોતાની ક્ષમતા દર્શાવી હતી. જાધવ કામચલાઉ સ્પિનરની ભૂમિકા ભજવશે પરંતુ તેણે ચેન્નઈ માટે 14 મેચોમાં એકપણ ઓવર બોલિંગ કરી નથી. જાધવે 12 ઈનિંગમાં 162 રન બનાવ્યાપરંતુ ટીમ મેનેજમેન્ટ માટે તેનું ફોર્મ નહીં પરંતુ ખભાની ઈજા ચિંતાનો વિષય છે જેના કારણે તે આઈપીએલના પ્લેઓફના મેચોમાં બહાર રહ્યો હતો. 

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને શમીએ દેખાડ્યું કે તે વિશ્વ કપમાં પણ બોલિંગની આગેવાની કરશે. બુમરાહે 16 મેચોમાં 19 અને શમીએ 14 મેચોમાં 19 વિકેટ ઝડપી હતી. આ બંન્ને પોતાના ફોર્મમાં સાતત્યતા જાળવી હતી. ભુવનેશ્વરે 15 મેચોમાં 13 વિકેટ ઝડપી જ્યારે હાર્દિક પંડ્યાએ ડેથ ઓવરોમાં ધમાકેદાર બેટિંગના દમ પર 402 રન બનાવવવા સિવાય 14 વિકેટ ઝડપીને પોતાનો ઓલરાઉન્ડર સાબિત કર્યો. 

બેટ્સમેનોમાં રોહિત શર્મા (15 મેચોમાં 405 રન)એ સારી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યો. તેણે માત્ર બે અડધી સદી ફટકારી. તેનો સાથી ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને 16 મેચોમાં 521 રન ફટકારીને પોતાની લય બનાવી રાખી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news