Azaan Controversy: ઉદ્ધવ સરકારને ઘેરી રહેલા રાજ ઠાકરે પોતે મુશ્કેલીમાં! જાણો શું છે મામલો

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) નેતા રાજ ઠાકરે છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્ર સરકારને સતત ઘેરી રહ્યા છે પરંતુ હવે તેઓ પોતે મુશ્કેલીમાં આવી ગયા એવું લાગી રહ્યું છે.

Azaan Controversy: ઉદ્ધવ સરકારને ઘેરી રહેલા રાજ ઠાકરે પોતે મુશ્કેલીમાં! જાણો શું છે મામલો

મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) નેતા રાજ ઠાકરે છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્ર સરકારને સતત ઘેરી રહ્યા છે પરંતુ હવે તેઓ પોતે મુશ્કેલીમાં આવી ગયા એવું લાગી રહ્યું છે. રાજ ઠાકરે પર આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધાયો છે.  થાણાના નૌપાડા પોલીસ સ્ટેશનમાં એમએનએસ પ્રમુખ રાજ ઠાકરે પર આર્મ્સ એક્ટ હેઠળ FIR દાખલ થઈ છે. અત્રે જણાવવાનું કે તેમની સાથે મહારાષ્ટ્ર નવનિર્માણ પાર્ટીના નેતા અવિનાશ જાધવ અને રવિન્દ્ર મોરે વિરુદ્ધ પણ કેસ દાખલ થયો છે. 

વાત જાણે એમ છે કે રાજ ઠાકરેએ મંગળવારે એક જનસભા દરમિયાન હવામાં તલવાર લહેરાવી હતી. આ અગાઉ મોહિત કંબોજ, મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અસલમ શેખ, વર્ષા ગાયકવાડ વિરુદ્ધ પણ આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ થઈ ચૂક્યા છે. 

રાજ ઠાકરેએ રાજ્ય સરકારને 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવવા માટેનું અલ્ટીમેટમ આપેલું છે. ઠાકરેએ એમએનએસ સમર્થકોની ભારે ભીડને સંબોધતા કહ્યું કે જો લાઉડ સ્પીકર ન હટાવવામાં આવ્યા તો તેમની પાર્ટીના તમામ કાર્યકરો મસ્જિદ સામે લાઉડ સ્પીકરથી હનુમાન ચાલીસા વગાડવાના શરૂ કરી દેશે. 

રાજ ઠાકરેએ મંગળવારે રેલીમાં કહ્યું કે, જો રાજ્ય સરકારે કાર્યવાહી ન કરી અને તમામ લાઉડસ્પીકર ન હટાવ્યા તો પછી તેમને કે તેમની પાર્ટીને આગળની કાર્યવાહી માટે જવાબદાર ઠેરવવી જોઈએ નહીં. મસ્જિદોમાં લાઉડસ્પીકરોના ઘોંઘાટને લઈને રાજ ઠાકરે સતત ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે. રાજ ઠાકરે હિન્દુત્વના મુદ્દે પણ શિવસેનાને ઘેરી રહ્યા છે. 

આ બધા વચ્ચે રાજ્યસભા સાંસદ અને શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે કોઈએ પણ હિન્દુત્વ મામલે અમને જ્ઞાન આપવાની જરૂર નથી. હિન્દુત્વ શિવસેનાના લોહીમાં છે અને તે શિવસેનાની નસ નસમાં વહે છે. જ્યારે જ્યારે હિન્દુત્વ પર હુમલો થયો ત્યારે ભાજપ નહીં પણ અમે સામે હતા, બાળાસાહેબ ઠાકરે હતા, ઉદ્ધવ ઠાકરે હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news