ગુજરાતમાં નવા ડીજીપી કોણઃ સંજય શ્રીવાસ્તવ, કરવાલ, તોમર કે વિકાસ સહાય?

Gujarat New DGP : ગુજરાતના હાલના ડીજીપી આશિષ ભાટિયા હવે નિવૃત્ત થઈ રહ્યાં છે ત્યારે નવા ડીજીપીના નામોને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે

ગુજરાતમાં નવા ડીજીપી કોણઃ સંજય શ્રીવાસ્તવ, કરવાલ, તોમર કે વિકાસ સહાય?

Gujarat Police : ગુજરાતના પોલીસતંત્રમાં મોટા ફેરફારો થાય તેવી સંભાવના છે. ગુજરાત રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા આગામી તા. ૩૧ જાન્યુઆરીએ નિવૃત્ત થશે તેમ નિશ્ચિત મનાય છે. હવે ચૂંટણીઓ પૂરી થઈ જતાં ભાટીયાને ફરી એક્સટેન્શન મળે તેવી સંભાવના ઘણી જ ઓછી છે. આ સંજોગોમાં રાજ્યના નવા ડીજીપી કોણ હશે તેની ચર્ચા પોલીસ તંત્રમાં શરૂ થઈ છે. રાજ્યના સિનિયર મોસ્ટ એવા 1987, 1988 અને 1989 બેચના છ આઈપીએસના નામ સાથે અનેક અટકળો લગાવાઈ રહી છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ એપ્રિલમાં નિવૃત્ત થાય તે પહેલાં રાજ્યના પોલીસવડા બનશે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. સંજય શ્રીવાસ્તવ હાલમાં અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવે છે. જેઓનું નામ પણ અગ્રેસર છે.

સંજય શ્રીવાસ્તવની નિવૃત્તિ 2023 માં થશે
આશિષ ભાટિયાને અગાઉ એક્સટેન્શન અપાયા છે. જુલાઈ-૨૦૨૦માં ડીજીપી બનેલાં આશિષ ભાટિયા બે વખત એક્સટેન્શન મેળવ્યાં પછી ૩૧ જાન્યુઆરીએ નિવૃત્ત થશે, તે પહેલાં નવા ડીજીપીની પસંદગી ગુજરાત સરકાર માટે આસાન રહેવાની નથી. પોલીસ તંત્રમાં ચર્ચા છે કે, ૧૯૮૭ બેચના આઈપીએસ અને અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સિનિયર મોસ્ટ છે. પરંતુ, તેઓ માર્ચ- ૨૦૨૩માં નિવૃત્ત થશે એટલે બે મહિના માટે સરકાર તેમને ડીજીપી બનાવશે કે કેમ? તે સવાલ છે. જો સંજય શ્રીવાસ્તવને ડીજીપી બનાવાય તો તેમને છ મહિનાનું એક્સટેન્શન અપાય તેવી સંભાવના વધી જાય છે. કારણ કે તેઓ પણ નિવૃત્તિના આરે છે. સંજય શ્વીવાસ્તવ 2003થી 2005 સુધી રાજકોટ પોલીસ કમિશનર રહ્યા હતા. અગાઉ એસપી તરીકે કચ્છ, ભરૂચ, ગાંધીનગર, પાટણ, મહેસાણા ફરજ બજાવી ચૂકયા છે. જ્યારે અમદાવાદમાં પણ ઝોન - 1 - 2 - 3 અને 5 માં ડીસીપી તરીકે તેમજ શાહીબાગ પોલીસ હે.ક્વા. તેમજ વહીવટી શાખામાં સંયુકત પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂકયા છે. અમદાવાદ પોલીસ કમિશનર બન્યા ત્યારસુધી તેઓ સીઆઈડી ક્રાઈમના વડા હતા.

સંજય શ્રીવાસ્તવ નહિ તો પછી કોણ
અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ પછી સિનિયર મોસ્ટ અતુલ કરવાલ છે. ૧૯૮૮ બેચના અતુલ કરવાલ હાલ કેન્દ્ર સરકારના ડેપ્યુટેશન ઉપર છે અને એનડીઆરએફના ડીજીપી તરીકે કાર્ય૨ત છે. માર્ચ ૨૦૨૪માં પુનઃ ગુજરાત લવાય અને ડીજીપી બનાવાય છે કે કેમ તે જોવાનું રહ્યું. કરવાલ પછી ૧૯૮૯બેચના ચાર આઈપીએસ વિવેક શ્રીવાસ્તવ, વિકાસ સહાય, અજય તોમર અને અનિલ પ્રથમ ડીજીપીની રેસમાં રહે છે. એમાંથી કોને લોટરી લાગે એ તો આગામી સમય જ બતાવશે. 

જુલાઈ- ૨૦૨૫ સુધી આઈપીએસ સર્વિસમાં રહેનારાં વિવેક શ્રીવાસ્તવ હાલ દિલ્હી ખાતે આઈ.બી.ના એડિશનલ ડાયરેક્ટર છે અને ડેપ્યુટેશન ઉપર છે. આ સંજોગોમાં પોલીસ ટ્રેનિંગના ડીજીપી વિકાસ સહાય (નિવૃત્ત, જુલાઈ ૨૦૨૫) અને સુરત પોલીસ કમિશનર અજય તોમર (નિવૃત્ત. ફેબ્રુઆરી, ૨૦૨૪)ના નામ ચર્ચામાં છે. સીઆઈડીમાં કાર્યરત અનિલ પ્રથમનું નામ પણ ચર્ચાય છે જો કે તેઓ વર્ષ ૨૦૨૩ના અંત ભાગમાં નિવૃત થશે. આ સંજોગોમાં ગુજરાતના નવા ડીજીપી તરીકે સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવાલ, અજય તોમર કે વિકાસ સહાયમાંથી પસંદગી થાય તેવી વિશેષ સંભાવના જોવાઈ રહી છે.

આશિષા ભાટિયાએ વહેલા રિટાયર્ડમેન્ટની માંગ કરી 
આશિષ ભાટિયા દ્વારા અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ જેવા કેસોની 19 દિવસમાં ઉકેલી નાંખ્યો હતો. સાથે ગુજરાતના હાઇ પ્રોફાઇલ કહેવાતા કેસોનો નિકાલ પણ તેમના દ્વારા સરળતાથી ઉકેલી નાખ્યા હતા. આશિષ ભાટિયા દ્વારા પોતાની ખરાબ તબિયતને લઇને સરકારને વહેલા રિટાયર્ડ માટે અપિલ કરી હતી પણ તે સ્વીકારવામાં આવી ન હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news