Vadodara : વેક્સિનેશન કેમ્પને લઈને સામસામે આવ્યા ભાજપના નેતાઓ

Vadodara : વેક્સિનેશન કેમ્પને લઈને સામસામે આવ્યા ભાજપના નેતાઓ
  • વડોદરા પાલિકા સંસ્થાઓને રસીકરણ કેમ્પ કરવાની મંજૂરી આપે છે. પરંતુ કોઈના જન્મદિવસ નિમિત્તે રસીકરણ કેમ્પ કરવાની મંજૂરી નથી આપતી, ત્યારે આ રસીકરણ કેમ્પ કરવાની મંજૂરી કેમ આપી તે પણ સવાલ ઉઠ્યો

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં પાલિકા અને વિવિધ સંગઠનો કોરોના રસીકરણ કેમ્પ (vaccination camp) કરી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી રસી લઈ રહ્યા છે. પણ શહેરના ઈલેક્શન વોર્ડ નંબર 10 માં શેરા ગ્રુપ દ્વારા આયોજિત રસીકરણ કેમ્પ વિવાદમાં આવતા રદ કરવો પડ્યો છે. શેરા ગ્રુપના પ્રમુખ સોહેબ બારોટે પોતાના 19માં જન્મદિવસ નિમિત્તે ભાજપ નેતાઓના સહયોગથી રસીકરણ કેમ્પ રાખવાની જાહેરાત કરી હતી. પણ સ્થાનિક ભાજપ કોર્પોરેટર નીતિન ડોંગાને કેમ્પ વિશે જાણ થતાં તેમને પાલિકામાં રજૂઆત કરી કેમ્પ રદ કરાવ્યો, જેને લઈ ભાજપની આંતરિક લડાઈ સામે આવી છે. 

વડોદરાના શેરા ગ્રુપના સ્થાપક અને પ્રમુખ સોહેબ બોબ બારોટના 19માં જન્મદિવસ નિમિત્તે આવતીકાલે એટલે કે સોમવારે રસીકરણ કેમ્પ રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ ગોત્રી મેડિકલ કોલેજ સામે આવેલ સાંઈબાબા મંદિર પાસે સુદામા નગરમાં રાખવાનો હતો. કેમ્પ રાખવા માટે શહેર ભાજપ ઉપપ્રમુખ સુનીતા શુક્લ અને વોર્ડ 10 ના ભાજપ કાર્યકર મહેશ બ્રહ્મભટ્ટે ગોકુલનગર અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરને ભલામણ કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી અર્બન હેલ્થ સેન્ટર તરફથી કેમ્પની મંજુરી આપવામાં આવી હતી, પણ ભાજપના સ્થાનિક કોર્પોરેટરોને કેમ્પ વિશે જાણ કરવામાં નહોતી આવી. જેથી ભાજપ કોર્પોરેટર નીતિન ડોંગાએ કેમ્પનો વિરોધ કર્યો, સાથે જ પાલિકાના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી રસીકરણ કેમ્પ રદ કરાવ્યો. મહત્વની વાત છે કે વડોદરા પાલિકા સંસ્થાઓને રસીકરણ કેમ્પ કરવાની મંજૂરી આપે છે. પરંતુ કોઈના જન્મદિવસ નિમિત્તે રસીકરણ કેમ્પ કરવાની મંજૂરી નથી આપતી, ત્યારે આ રસીકરણ કેમ્પ કરવાની મંજૂરી કેમ આપી તે પણ સવાલ ઉઠવા પામ્યો છે.

શેરા ગ્રુપના રસીકરણ કેમ્પનો વિવાદ વધુ વકરતા સોશિયલ મીડિયા પર જે પત્રિકા પોસ્ટ કરી હતી, તેને હટાવી બીજી પત્રિકા મૂકવામાં આવી. જેમાં ભાજપ અને શેરા ગ્રુપ બંને મળી કેમ્પ કરશે તેવું લખવામાં આવ્યું, પણ હવે રસીકરણ કેમ્પ વોર્ડ 10 ના ભાજપ મહામંત્રી વસંત પટેલ તે જ સ્થળે કરશે તેવી માહિતી મળી છે. 

ભાજપ કોર્પોરેટર નીતિન ડોંગાએ કહ્યું કે, કોઈના જન્મદિવસ નિમિત્તે રસીકરણ કેમ્પ કરવાની મંજૂરી પાલિકા નથી આપતી, જેથી હું એ કેમ્પનો વિરોધ કરી કેમ્પ રદ કરાવ્યો. જો આવી રીતે જન્મદિવસ નિમિત્તે રસીકરણ કેમ્પની મંજૂરી આપવામાં આવે તો અનેક લોકો અમારી પાસે આવી મંજૂરી માંગશે.

તો ગોકુલનગર અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર અક્ષય પટેલે કહ્યું કે, અમે રસીકરણ કેમ્પની મંજૂરી આપી જ નથી. આયોજકોએ પોતાની રીતે કાર્ડ છપાવી સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે. શેરા ગ્રુપના રસીકરણ કેમ્પને મંજૂરી આપવા ભાજપ નેતા સુનીતા શુક્લ અને મહેશ બ્રહ્મભટ્ટે ભલામણ કરી હતી. પણ કોઈના જન્મદિવસ નિમિત્તે રસીકરણ કેમ્પની મંજૂરી ના આપી શકાય એટલે અમે મંજૂરી નથી આપી. 

જ્યારે શહેર ભાજપ ઉપપ્રમુખ સુનીતા શુક્લએ કહ્યું કે, શેરા ગ્રુપના રસીકરણ કેમ્પ માટે હું એ કોઈને ભલામણ નથી કરી, રસીકરણ કેમ્પ માટે વોર્ડ 10 ના ભાજપ કાર્યકર મહેશ બ્રહ્મભટ્ટે ભલામણ કરી હતી. કેમ્પની મંજૂરી રદ કરી ત્યારે મેડિકલ ઓફિસરને કેમ્પ કેમ રદ કર્યો તે કારણ જાણવા માત્ર ફોન કર્યો હતો, કોર્પોરેટર નીતિન ડોંગાનો ઈગો હર્ટ થતાં તેમને કેમ્પ રદ કરાવ્યો.

મહત્વની વાત છે કે, એકતરફ રસીકરણ કેમ્પ યોજવા માટે અધિકારીઓને ભાજપના સંગઠનના હોદ્દેદારો રજૂઆત કરે છે, તો બીજી તરફ અધિકારીઓ સામે વિરોધ કરી ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર કેમ્પ રદ કરાવે છે. જેને લઈ અધિકારીઓ પણ અવઢવમાં મૂકાયા છે. સાથે જ ભાજપની આંતરિક લડાઈ પણ સામે આવી છે. ત્યારે ચોક્કસથી આવા મામલાની પ્રદેશ નેતાગીરીએ નોંધ લેવી જોઈએ, નહિતર ચૂંટણીમાં ભાજપને નુકશાન વેઠવાનો વારો આવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news