ગુજરાતમાં દારૂબંધીના નામે કાયદો છે કે મજાક? 2 વર્ષમાં 2 અબજ રૂપિયાનો દારૂ ઝડપાયો!

વિકસિત ગુજરાતમાં જો દૂધની નદીઓ વહેતી હોય તો વિધાનસભામાં જાહેર થયેલા આંકડાઓને ધ્યાનમાં રાખીએ તો એવું કહેવું ખોટું નહી હોય કે આ રાજ્યમાં દારૂની પણ નદીઓ વહે છે. તમને માનવામાં નહી આવે પરંતુ સરકારી રેકોર્ડમાં નોંધાયેલા આંકડા અનુસાર છેલ્લા 2 વર્ષમાં જ 200 કરોડ રૂપિયા એટલે કે 2 અબજનો દારૂ પકડાયો છે. 

ગુજરાતમાં દારૂબંધીના નામે કાયદો છે કે મજાક? 2 વર્ષમાં 2 અબજ રૂપિયાનો દારૂ ઝડપાયો!

ઝી બ્યૂરો, અમદાવાદ: ગુજરાતના બોટાદ જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 43 લોકોના મોત થઇ ગયા છે. તો બીજી તરફ 49 લોકો હોસ્પિટલમાં દાખલ છે. ગુજરાતમાં દારૂબંધી હોવાછતાં આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ ગુજરાત પોલીસ હરકતમાં આવી ગઇ છે. રાજકોટ-સુરત જેવા શહેરોમાં ગેરકાયદેસર બનનાર દારૂના અડ્ડાઓ પર રેડ પાડવામાં આવી રહી છે અને મોટાપાયે ગેરકાયદેસર દારૂનો જથ્થો મળી આવ્યો છે. 

જો વિધાનસભામાં ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પર એકનજર કરીએ તો તે ખૂબ જ ચોંકાવનારા છે. ગુજરાત સરકારે 2 માર્ચ 2022 ના રોજ ગુજરાત વિધાનસભામાં સત્તાવાર રીતે કહ્યું હતું કે ''ગુજરાત સરકારે ગત વર્ષમાં 215 કરોડ 62 લાખ 52 હજાર અને 275 રૂપિયાની વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે. 4 કરોડથી વધુની કિંમતનો દેસી દારૂ અને 16 કરોડથી વધુની બીયર જપ્ત કરી છે. 

આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 606 કરોડ 41 લાખ 84 હજાર 847ની કિંમતના નશીલા દ્રવ્‍યો પકડાયા છે. જેમાં પોલીસે  370 કરોડની કિંમતના અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન પકડાયું છે. જ્યારે નશીલા દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા 4 હજાર 46 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. 

આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપ નિશાન સાધતાં કહ્યું હતું કે 'ગુજરાતમાં દર વર્ષે રોકટોક વિના દારૂનું વેચાણ થાય છે. અહીં દારૂબંધી માત્ર કાગળ પર છે. આટલી મોટી દુર્ઘટના સર્જાઇ તેમછતાં દારૂબંધી મામલે ગુજરાતની ભાજપ સરકાર ચૂપ કેમ છે. ગુજરાત પોલીસે મંગળવારે અલગ અલગ શહેરોમાં દેશી દારૂ બનાવનાર ભઠ્ઠીઓ પર રેડ મારી અને કરોડો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હતો. સુરત, રાજકોટ જેવા શહેરોમાં મોટાપાયે દારૂ મળી આવ્યો હતો. 

બોટાદમાં શું થયું?
ગુજરાત પોલીસના અનુસાર આ ઘટનામાં ઘટનામાં ઇમોસ નામની કંપની ભૂમિકા સામે આવી છે. આ કંપની મિથાઇલના બિઝનેસ સાથે જોઇડાયેલી છે. ગુજરાત પોલીસની ક્રાઇમ બ્રાંચે ઇમોસ કંપનીના ગોડાઉન મેનેજર જયેશ ઉર્ફે રાજૂની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજૂએ જ કેમિકલને ગોડાઉનની બહાર નિકાળ્યું હતુ. 

પોલીસના અનુસાર ગોડાઉન મેનેજર જયેશે પોતાના સંબંધી સંજયને 60 હજારમાં 200 લીટર મિથાઇલ આપ્યું હતું. ત્યારબાદ સંજય, પીન્ટૂ અને બાકીલા લોકોએ આ કેમિકલમાં દારૂ ન બનાવીને સીધા કેમિકલના પાઉચને દારૂના નામે લોકોને આપી દીધા. આ કેમિકલ પીવાથી લોકોના મોત થયા હતા. 

જાણો કઈ રીતે દારૂ બની જાય છે ઝેરી લઠ્ઠો
ગેરકાયદે દેશી દારૂ બનાવનાર પહેલા તો મિથાઈલ આલ્કોહોલની ખરીદી કરે છે. ત્યારબાદ તેમાં ફટકડીનો પાઉડર નાખે છે. મિથાઈલ આલ્કોહોલમાં ફટકડી ભળી જવાથી એક રાસાયણિક પ્રક્રિયા થાય છે. જે બાદ મિથાઈલ અણુઓ તળીયે બેસી જાય છે અને ઇથાઈલ આલ્કોહોલ ઉપર તરે છે, જે પી શકાય તેવું મનાય છે. ત્યારે આ ઇથાઈલ આલ્કોહોલનું દારુ વેચનારા વેચાણ કરતા હોય છે. જે વિદેશી દારુ કરતા પ્રમાણમાં સસ્તું પડે છે. જોકે, મિથાઈલ આલ્કોહોલમાં ફટકડી નાખીને જે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવી હોય છે. તે સંપૂર્ણ રિતે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતી નથી તેથી તેમાં થોડા ઝેરી તત્ત્વો રહી જતા હોય છે. જેના કારણે આ લઠ્ઠો પીનારા લોકો ધીમે ધીમે મરે છે. પરંતુ જો ક્યારેક આ ફટકડીને બદલે ભળતી કોઈ વસ્તુ આવી ગઈ હોય ત્યારે આ ઝેર નીચે બસેતું નથી અને તેને પીધા બાદ પીનારનું તરત મોત થયા છે. એટલે કે દેશી દારુના અડ્ડા પર જ્યારે મિથાઈલ આલ્કોહોલવાળું પીણું આવી જાય ત્યારે તે દિવસે પીનારા તમામ લોકોના મોત થયા છે.

ગુજરાત હવે દારૂબંધીના નાટકમાંથી બહાર નીકળે
ગુજરાતમાં કેમિકલ કાંડથી લોકોના મોત થયા બાદ ફરી દારૂબંધી હટાવવાનો મુદ્દો સળગ્યો છે. જો ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ પીવાય છે તો પછી દારૂબંધી કેમ એ મુદ્દે ફરી શંકરસિંહ વાઘેલા મેદાને આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી સરકાર સામે નિશાન સાધ્યુ છે કે ગુજરાતમાં ઠેરઠેર દારૂ વેચાય છે. માત્ર નામની જ દારૂબંધી છે. માત્ર નામની દારૂબંધી રાખવાનો શુ મતલબ. કેમ ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવાતી નથી. વાઈબ્રન્ટ ગુજરાતના નામે કરોડોનો ખર્ચો કરીને ગુજરાતને વાઈબ્રન્ટ મોડ પર મૂકનારી ગુજરાતની આ સરકારે આજની લઠ્ઠાકાંડની ઘટના પરથી સરકારે બોધપાઠ લેવો જોઈએ કે દારૂબંધી અને નશો શું ચીજ છે. આ પહેલીવાર નથી બન્યુ. આ પહેલા પણ અનેક લોકો ઝેરી દારૂ પીને મરી ગયા છે. ગાંધીજીના નામે ગુજરાત ધતિંગવાળી નશાબંધીવાળી નીતિ છોડી શક્તુ નથી.

અમિત ચાવડાએ ગૃહમંત્રીના રાજીનામાની કરી માંગ
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યુ કે, ગુજરાતના બરવાળા અને ધંધુકા તાલુકામાં લઠ્ઠાકાંડના કારણે 31થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને 20 થી વધુ લોકો ગંભીર હાલતમાં છે. આ કોઈ લઠ્ઠાકાંડ નહીં પણ સરકાર અને પોલીસ પ્રસાશનની હપ્તાખોરીના પરિણામ સ્વરૂપ હત્યાકાંડ છે. રાજ્ય સરકારે સમગ્ર ઘટનાની જવાબદારી લઈ તાત્કાલિક દોષીતો સામે પગલા લે અને રાજ્યના નિષ્ફળ ગૃહમંત્રીએ તાત્કાલિક અસરથી રાજીનામુ આપવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news