કચ્છમાં પ્રવાસીઓને હવે નવુ જોવા મળશે, માંડવીના ભવ્ય પેલેસમાં જવાનું ભૂલતા નહિ

Kutch News : કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે મહારાવ વિજયરાજજીની જન્મતિથિના દિવસે આ ભવ્ય મહેલ ખાતે કચ્છ રાજપરિવાર દ્વારા મહારાવ વિજયરાજજી અને મહારાવ પ્રાગમલજી ત્રીજાની પૂર્ણ કદની 6.5 અને 7.5 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાઓનુ અનાવરણ કરવામાં આવ્યું

કચ્છમાં પ્રવાસીઓને હવે નવુ જોવા મળશે, માંડવીના ભવ્ય પેલેસમાં જવાનું ભૂલતા નહિ

Kutch Tourism રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : કચ્છના મહારાજ વિજયરાજે માંડવી ખાતે સન 1927માં ભવ્ય વિજય વિલાસનું નિર્માણ કર્યુ હતું, જે આદે વિશ્વ વિખ્યાત બન્યું છે. તેમની જન્મ તિથિ નિમિત્તે તેમની અને કચ્છનાં મહારાજા પ્રાગમલજી ત્રીજાની પ્રતિમાઓનું અનાવરણ મહારાણી પ્રિતિદેવી દ્વારા કરવામાં આવ્યું હતું.

સરહદી જિલ્લો કચ્છ છેલ્લાં 15 વર્ષોથી પ્રવાસન માટે વિશ્વ વિખ્યાત બન્યો છે. કચ્છ જિલ્લામાં વિજય વિલાસ પેલેસ પ્રવાસીઓ માટે હંમેશાથી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ જ મહેલમાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનું ‘હમ દિલ દે ચૂકે સનમ’ નું શૂટિંગ થયું હતું. દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓ કચ્છના માંડવીના દરિયા કિનારે આવેલા આ ભવ્ય મહેલની અવશ્ય મુલાકાત લે છે. ત્યારે હવેથી આ મહેલ જોવા આવતા પ્રવાસીઓને કચ્છના રાજાશાહી ઇતિહાસથી પણ માહિતગાર કરવામાં આવશે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે મહારાવ વિજયરાજજીની જન્મતિથિના દિવસે આ ભવ્ય મહેલ ખાતે કચ્છ રાજપરિવાર દ્વારા મહારાવ વિજયરાજજી અને મહારાવ પ્રાગમલજી ત્રીજાની પૂર્ણ કદની 6.5 અને 7.5 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાઓનુ અનાવરણ કરવામાં આવ્યું છે.

માંડવીનો વિજય વિલાસ પેલેસ જેમના શાસન કાળમાં બન્યું હતું, તે મહારાજા ખેંગારજી ત્રીજાની ઇટાલિયન માર્બલની પ્રતિમા અહીં પહેલેથી જ હતી. ત્યારે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે મહારાવ વિજયરાજજી અને કચ્છના અંતિમ રાજવી પ્રાગમલજી ત્રીજાની પ્રતિમાઓ આજે ઊભી કરવામાં આવી હતી. આ પ્રતિમાઓ થકી દેશ વિદેશના પ્રવાસીઓ મહારાવ ખેંગારજી ત્રીજાના શાસન કાળમાં બનેલા વિજય વિલાસ પેલેસ ખાતે મહેલના સ્વપ્નદૃષ્ટા મહારાવ વિજયરાજજી તેમજ આ મહેલની સારસંભાળ લેનારા કચ્છના અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજાની પ્રતિમાઓ જોઈ કચ્છનું ભવ્ય ઇતિહાસ જાણી શકશે.

માંડવી ખાતે 450 એકરના વિશાળ વન વચ્ચે વિજય વિલાસ પેલેસ ઉભુ કરવામાં આવ્યું છે. લાખો પ્રવાસીઓ દર વર્ષે આ મહેલની મુલાકાતે આવતા હોય છે. મહારાવ ખેંગારજી ત્રીજાના શાસન કાળ દરમિયાન યુવરાજ વિજયરાજજી દ્વારા આ મહેલ બનાવવામાં આવ્યું હતું, જેને વિજય વિલાસ પેલેસ નામ અપાયું હતું. કચ્છના અંતિમ રાજા પ્રાગમલજી ત્રીજાના દાદા એટલે કે વિજ્યરાજજીએ લાલ પથ્થરોમાંથી આ મહેલ બનાવ્યું હતું કે જે રાજપૂત સ્થાપત્યનો એક શ્રેષ્ઠ નમૂનો છે. જેને જોવા દેશ વિદેશના પર્યટકો કચ્છ આવે છે.

મહારાવ પ્રાગમલજી ત્રીજાની આ કાંસ્યની મૂર્તિ હાલ વડોદરા ખાતે શિલ્પકાર તરીકે પોતાની કલાકારી કરતા અને મૂળ કચ્છના એવા રુદ્ર ઠાકર દ્વારા બનાવવામાં આવી છે. આ મૂર્તિ અંગે માહિતી આપતા શિલ્પકાર રુદ્ર ઠાકરે જણાવ્યું હતું કે, આ મૂર્તિની ખાસિયતની વાત કરવામાં આવે તો આ મૂર્તિની વજન 450 થી 500 કિલો જેટલું છે અને ખાસ કરીને તેનું આયુષ્ય છે તે 500 વર્ષ જેટલું છે. દરિયાઈ વિસ્તારના વાતાવરણમાં તેને કોઈ અસર નહીં થાય અને તેની શોભા અને આયુષ્ય વધશે. પ્રત્યેક મૂર્તિને બનાવતા 3 મહિના જેટલો સમય લાગ્યો હતો. આ અગાઉ પણ શિલ્પકાર રુદ્ર દ્વારા મહારાવના નિવાસ્થાને તેમજ પ્રાગ મહલ ખાતે રાજાની મૂર્તિ બનાવવામાં આવી હતી. તો ભુજના આશાપુરા મંદિરમાં પણ એક યંત્ર તેના દ્વારા બનાવવામાં આવ્યું છે. પ્રાગમલજી ત્રીજાની પ્રતિમા 7.5 ફુટની છે જ્યારે મહારાવ વિજયરાજજીની પ્રતિમા 6.6 ફૂટની છે."

કચ્છ દેખા તો સબ કુછ દેખાનો પ્રયાસ
કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે મહારાઓ વિજયરાજજીની પણ જન્મતિથિ હોતાં કચ્છ રાજપરિવાર દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ રાજપરિવારના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે મહારાવ વિજયરાજજીની જન્મતિથિ નિમિતે મહારાણી પ્રિતિદેવિના પ્રેરણાથી અહીં મહારાવ વિજયરાજજીની અને કચ્છના અંતિમ રાજા પ્રાગમલજી ત્રીજાની પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જેવી રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના પ્રવાસન ક્ષેત્રે એક એક મોરપીંછ ઉમેરતા જાય છે તેવી રીતે ભુજમાં આવેલ ભુજીયા ડુંગરને વિકસિત કરવામાં આવે તો જે સુત્ર છે કે ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા‘ તે ‘કચ્છ દેખા તો સબ કુછ દેખા’ એવું થઈ જશે. પ્રવાસીઓ અહીં આવે અને જાણે કે આ વિજય વિલાસ પેલેસ મહારાવ ખેંગારજીની પ્રેરણા હતી, મહારાવ વિજય રાજજીએ બનાવ્યું હતું અને મહારાવ પ્રાગમલજી ત્રીજાએ તેની દેખરેખ રાખી હતી જેની સાર સંભાળ આજે મહારાણી પ્રીતિદેવી ઓફ કચ્છ રાખી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news