વ્યક્તિદીઠ રોજ 100 લીટર પાણી! ઢગલો ગામો, લાખોની શહેરી વસતી માટે ગુજરાત સરકારનો નિર્ણય

સિંચાઈ વર્તુળ તાબા હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં કુલ રૂ. 260 કરોડના ખર્ચે 380 કિમી લંબાઈની નહેરોના નવીનીકરણની કામગીરી કરવામાં આવી છે. તથા હાલમાં રૂ. 3,585 લાખના કામો પ્રગતિ હેઠળ છે જેમાં 82 કિમી લંબાઈની નહેરોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.

વ્યક્તિદીઠ રોજ 100 લીટર પાણી! ઢગલો ગામો, લાખોની શહેરી વસતી માટે ગુજરાત સરકારનો નિર્ણય

ઝી બ્યૂરો, અમદાવાદઃ જળ-સંપત્તિ, પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા ખેડા જિલ્લાના પરીએજ ખાતે ખેડા-આણંદ જિલ્લાના અંદાજિત રૂપિયા 385.6 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં પરીએજ તળાવના ડીસીલ્ટીંગ અને રીમોડેલીંગની કામગીરી, લીંબાસી શાખા નહેરની સુધારણાની કામગીરી, ગોલાણા વિશાખા નહેર સુધારણાની કામગીરી વગેરેનો સમાવેશ થાય છે.  

પાણી પુરવઠા મંત્રીની મોટી જાહેરાતઃ
મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે આજે દેશ અને રાજ્યમાં પાણી સંબધિત વિવિધ યોજનામાં નાણાકીય જોગવાઈ ઉભી કરીને અંતરિયાળ વિસ્તારો સુધી સિંચાઈ અને પીવાના પાણીની વ્યસ્થાઓ ઉભી કરવામાં આવી છે. પરીએજ તળાવમાં ડીસીલ્ટીંગ, પાળ બાંધકામ અને ગાર્ડન નિર્માણ સહિતના બ્યુટીફિકેશનના કામોથી પીવાનું શુદ્ધ પાણી, સિંચાઈ અને પર્યટન સહિતની વ્યવસ્થાનો લોકોને લાભ મળશે. સાથે જ આગામી સમયમાં પરીએજ તળાવની માફક કનેવાલ તળાવમાં પણ ડીસીલ્ટીંગ અને રીમોડેલીંગની કામગીરીના આયોજન વિશે મંત્રીએ વાત કરી હતી.

કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ચાલુ છેઃ
મહી સિંચાઈ વર્તુળ હેઠળ થયેલ કામગીરી વિશે જણાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે મહી સિંચાઈ વર્તુળ તાબા હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં કુલ રૂ. 260 કરોડના ખર્ચે 380 કિમી લંબાઈની નહેરોના નવીનીકરણની કામગીરી કરવામાં આવી છે. તથા હાલમાં રૂ. 3,585 લાખના કામો પ્રગતિ હેઠળ છે જેમાં 82 કિમી લંબાઈની નહેરોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. વધુમાં નહેરો અને કાંસ ઉપર વિવિધ સ્થળોએ બ્રીજના નવીનીકરણ માટે રૂ. 3,659 લાખના ખર્ચે 25 બ્રીજના નવીનીકરણની કામગીરીના આયોજન વિશે મંત્રીએ જણાવ્યું હતું. 

માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારે પરીએજ તળાવના વિકાસ કાર્યોને પ્રોત્સાહન આપવા બદલ સરકારનો આભાર માન્યો હતો. સાથે જ પાણી પુરવઠા વિભાગના મુખ્ય ઇજનેર ભાવિક રાઠોડ દ્વારા આ પ્રકલ્પો અને યોજનાઓની વિગતે માહિતી આપવામાં આવી હતી. નોંધનીય છે કે માતર તાલુકાના પરીએજ તળાવ ખાતેથી આ નહેર તથા તળાવ સુધારણા કામોનું લોકાર્પણ પૂર્ણ થતા ખેડા-આણંદ જિલ્લાના વિવિધ તાલુકાના કુલ મળીને 101 ગામો અને 1 શહેરની અંદાજિત 4.45 લાખની વસ્તીને પીવાનું શુધ્ધ પાણી મળી રહેશે. જેમા ઠાસરા, ગળતેશ્વર(ઉત્તર અને દક્ષિણ) જૂથ પાણી પુરવઠા પ્રોજેક્ટ હેઠળ ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના લાભાર્થી ગામોમાં વ્યક્તિ દિઠ દૈનિક 100 લિટર પાણીનો લાભ મળશે. ઉપરાંત દક્ષિણ ઠાસરા - ગળતેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ રૂ. 81.70 કરોડના કામો અને ઉત્તર ઠાસરા - ગળતેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ રૂ. 76.59 કરોડના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news