Gujarat Election 2022: ચૂંટણી પહેલાં ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન, એક મંચ પર જોવા મળ્યા આગેવાનો

Gujarat Election 2022: ઉત્તર ગુજરાતમાં સહુથી મોટી વોટબેંક ધરાવતા ઠાકોર સમાજ દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા આજે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સંમેલનને બિનરાજકીય કહેવામાં આવ્યું પરંતુ ત્યાં રાજકીય માહોલ જોવા મળ્યો હતો. 

Gujarat Election 2022: ચૂંટણી પહેલાં ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન, એક મંચ પર જોવા મળ્યા આગેવાનો

અલકેશ રાવ, બનાસકાંઠાઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે. રાજકીય પાર્ટીઓ ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. આ વચ્ચે ઘણા સમાજ સંગઠનો પોતાની તાકાત દેખાડવા માટે શક્તિ પ્રદર્શન કરી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આજે ઠાકોર સમાજ દ્વારા મહા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલનમા હજારોની સંખ્યામાં દરેક સમાજના લોકો હાજર રહ્યા હતા.

ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનું મોટું વર્ચસ્વ
ઉત્તર ગુજરાતમાં સહુથી મોટી વોટબેંક ધરાવતા ઠાકોર સમાજ દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા આજે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ડીસાના વેપારી આગેવાન અને ભાજપના લેબજીભાઈ ઠાકોર દ્વારા આજે ડીસા - થરાદ રોડ પર જોરાપુરા ગામ નજીક આવેલા રાહી કોલ્ડ સ્ટોરેજ ખાતે સર્વ સમાજનું બિન રાજકીય સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું. આમ તો આ સ્નેહમિલન બિન રાજકીય હતું. પરંતુ ભાજપ અનર કોંગ્રેસના રાજકીય આગેવાનો આજે એક મંચ પર જોવા મળ્યા હતા. ડીસા વિધાનસભા બેઠક પર સહુથી વધુ મત સંખ્યા ઠાકોર સમાજની છે અને તેમ છતાં તાજેતરમાં કોંગ્રેસ દ્વારા ડીસા બેઠક પર રબારી સમાજના ઉમેદવારની જાહેરાત કરતા ઠાકોર સમાજના ઘણા આગેવાનોએ આગળ આવીને કોંગ્રેસમાંથી તેમના હોદ્દા પરથી રાજીનામાં ધરી દીધા હતા. ત્યારે ડીસા બેઠક પર પણ ભાજપ કોંગ્રેસ જેવી ભૂલ ના કરે તે માટે આજે ઠાકોર સમાજે સંગઠિત બનીને મહા શક્તિ પ્રદર્શન કર્યું હતું. માત્ર ચોવીસ કલાકમાં જ સ્નેહમિલનનું આયોજન કાટીને હજારોની સંખ્યામાં લોકોને એકત્રિત કરવામાં સફળ રહ્યા હતા. સ્નેહ મિલનના મુખ્ય આયોજક લેબજીભાઈ ઠાકોર દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં પોતે ડીસા બેઠક માટે ભાજપના દાવેદાર હોવાની વાત કરી હતી.

ડીસા ખાતે આજે ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવેલા મહાશક્તિ પ્રદર્શનમાં સંતો પણ ઉપસ્થતિ રહ્યા હતા. આમ તો આ સ્નેહ મિલન બિન રાજકીય સંમેલન હતું પરંતુ નાગપુરી બાબજી દ્વારા ભાજપને ટકોર કરતા જણાવ્યું હતું કે ડીસા બેઠક પર સહુથી વધુ મત ધરાવતા ઠાકોર સમાજને જો ઉમેદવાર તરીકે જાહેર કરવામાં નહી આવે તો તેનું ગંભીર પરિણામ પક્ષને ભોગવવું પડી શકે તેમ છે.

ડીસા વિધાનસભા બેઠક પર આજે ઠાકોર સમજ દ્વારા મહા શક્તિ પ્રદર્શન કરવામાં આવતા તેની સીધી અસર ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડ પર પણ પડી શકે છે. કારણ કે આ સંમેલન બાદ ભાજપનું મોવડી મંડળ વિધાનસભાના ઉમેદવારની જાહેરાત માટે નવા સમીકરણો વિચારશે, તો નવાઈ નહિ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news