ભૂપત ભાયાણી ના ઘરના ના ઘાટ ના: વિસાવદરની ચૂંટણી ના થઈ જાહેર, આ છે સાચું કારણ

Gujarat Election 2024:ગુજરાતમાં લોકસભા સાથે 5 વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ છે પણ વિસાવદરની ચૂંટણી પેન્ડિંગ રહી છે. રાજકીય પક્ષો ચૂંટણીપંચની ક્ષતિ હોવાનું જણાવી રહ્યાં છે પણ વિસાવદરની ચૂંટણીનો મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. ભૂપત ભાયાણીએ આપનું ધારાસભ્ય છોડી ભાજપમાં જોડાઈ ગયા પણ અહીં ભાજપના નેતા હર્ષદ રિબડિયા નડી ગયા છે. આપના તો ઈસુદાનનો ખેલ પડી ગયો છે. ઈસુદાન આ બેઠક પર ચૂંટણી લડવાના સપનાં જોતાં હતા. હવે ખેલ કોણે પાડ્યો એ તો સમય બતાવશે પણ ભાયાણી ના ઘરના ના ઘાટના થઈ ગયા છે. 

ભૂપત ભાયાણી ના ઘરના ના ઘાટ ના: વિસાવદરની ચૂંટણી ના થઈ જાહેર, આ છે સાચું કારણ

Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની 26 બેઠકની સાથે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ પણ ચૂંટણી પંચે જાહેર કરી છે. 7 મે ના રોજ વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર બેઠક પર ચૂંટણી યોજાશે. જ્યારે વિસાવદર બેઠકની પેટાચૂંટણી માટે ચૂંટણીપંચે કોઈ જાહેરાત નથી કરી. કોર્ટ મેટર ચાલતી હોવાથી વિસાવદર બેઠક પર પેટાચૂંટણી જાહેર કરાઈ નથી. જેને પગલે ગુજરાતના રાજકારણમાં આ સૌથી મોટી ચર્ચા છે. હવે હર્ષદ રિબિડિયા આ કેસ પાછો ખેંચે તેવી તૈયારીઓ ચાલી રહી છે. વિસાવદરની ચૂંટણી જાહેર ન થતાં સૌથી મોટો ઝટકો આપ અને ભાજપને લાગ્યો છે. 

આ બેઠક  પર વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આપે અપસેટ સર્જ્યો હતો અને કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારને હરાવી અહીં આપના ભૂપત ભાયાણી જીત્યા હતા. ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ સાથે ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરાઈ હતી. આ અંગે કોર્ટ કેસ ચાલી રહ્યો છે. હવે એક સમયના કોંગ્રેસના હર્ષદ રિબડિયા પણ ભાજપમાં છે અને આપના ભૂપત ભાયાણી પણ ભાજપમાં છે. ચૂંટણી પંચે આ બેઠકની ચૂંટણી જાહેર કરી નથી. હવે ભૂપત ભાયાણી માટે થોભો અને રાહ જુઓ એવી સ્થિતિ છે. લોકસભાની સાથે સાથે ચૂંટણી હોવાથી ભાજપના પૂરા સપોર્ટની સાથે ભાયાણી માટે રસ્તો ક્લિયર થઈ ગયો હતો. ભાજપે અહીં લોકસભાનો ઉમેદવાર પણ જાહેર કર્યો છે. જૂનાગઢનું કોકડું ઉકેલાયું નથી હવે વિસાવદરનું લટકી ગયું છે. 

પક્ષપલટુઓનો દબદબો
વાઘોડિયા, માણાવદર, ખંભાત, વિજાપુર અને પોરબંદર ગુજરાતની આ પાંચ બેઠકો પર ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં 26 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પણ લોકસભા ચૂંટણીની સાથે યોજાશે. ચૂંટણી પંચ દ્વારા ન માત્ર લોકસભા ચૂંટણીની જાહેરાત કરી પરંતુ સાથે સાથે વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે. આપને જણાવીએ કે, ગુજરાતની 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. જેમાં વાઘોડિયામાં અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે રાજીનામું આપ્યું હતું. આ જ પ્રકારે માણાવદરમાં અરવિંદ લાડાણી, ખંભાતમાં ચિરાગ પટેલ, વિજાપુરમાં સી જે ચાવડા અને પોરબંદરથી અર્જુંન મોઢવાડિયાને ટીકિટ માટે કમિટમેન્ટ અપાયું છે. વિધાનસભામાં ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણીની વાત કરી એ તો, પહેલીવાર એવું બન્યું છે કે 5 વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે પણ આ બેઠકો પર એક પણ ભાજપનો નેતા નહીં ઉભો રહે... કારણ કે આ તમામ બેઠકો કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પક્ષપલટુઓને ફાળે જાય તેવી સંભાવના છે. 

લોકસભાની ચૂંટણીના મતદાનની સાથે જ 7મેના રોજ પેટા ચૂંટણીનું મતદાન થશે. લોકસભા ચૂંટણીની સાથે જ 4 જૂનના રોજ પેટા ચૂંટણીનું પરિણામ આવશે. પેટા ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસે પોત પોતાના ઉમેદવારોની પસંદગીને લઇને કવાયત તેજ કરી દીધી છે. જોકે, સવાલ એ છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વિસાવદર બેઠક પરની પેટા ચૂંટણી કેમ જાહેર ન કરવામાં આવી હતી. વિસાવદર બેઠક આપના ધારાસભ્ય ભુપત ભાયાણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી. હવે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. જેઓ આ બેઠક પરથી ભાજપમાંથી ચૂંટણી લડવાના હતા. 

રિબડિયાએ કરી હતી અરજી
વિસાવદર બેઠક પર વર્ષ 2022ની ચૂંટણીમાં આપના ઉમેદવાર ભૂપત ભાયાણીનો વિજય થયો હતો. ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં તત્કાલિન કોંગ્રેસ ઉમેદવાર હર્ષદ રીબડિયાએ 2023માં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. હર્ષદ રીબડિયાની અરજીમાં ભૂપત ભાયાણીની જીતને પડકારવામાં આવી હતી. હર્ષદ રીબડિયાની અરજી બાદ હજુ પણ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આ કેસમાં હવે રિબડિયા કેસ પાછો ખેંચે અને ગુજરાતનું ચૂંટણીપંચ રજૂઆત કરે તો આ બેઠકની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. 

ઈસુદાન રહી ગયા
એક એવી પણ ચર્ચા હતી કે, આ બેઠક પર આપ જીતી હોવાથી આ બેઠક પર આપ અને કોંગ્રેસના ગઠબંધનના ભાગરૂપે વિસાવદરથી ઈસુદાન ગઢવી ચૂંટણી લડવાના હતા. આમ કોંગ્રેસ અને આપનું ગઠબંધન 2 લોકસભા અને એક વિધાનસભાની સીટ માટે થવાનું હતું પણ ઈસુદાનની સપનાં પણ રોળાયા છે. અહીં આપ અને કોંગ્રેસ એક થાય તો ઈસુદાનના જીતવાના ચાન્સ હોવાથી મોટો ખેલ પડવાનો હતો પણ ચૂંટણી પંચે ખેલ પાડી દીધો છે. 

6 બેઠકો થઈ હતી ખાલી
જોકે, આ બધા વચ્ચે રાજકીય પક્ષો દાવો કરી રહ્યા છેકે, ચૂંટણી પંચ દ્વારા કોઈ ક્ષતિથી વિસાવદર બેઠક પરની પેટા ચૂંટણી જાહેર કરવાની બાકી રહી ગઈ છે. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 182 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જે ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસને 17 બેઠકો મેળવી હતી અને AAPએ 5 તેમજ અપક્ષ 3 અને સમાજવાદી પાર્ટીએ 1 બેઠક મેળવી હતી.  પરંતુ સમય જતા અત્યાર સુધીમાં 6 ધારાસભ્યોએ પદ પરથી અને પક્ષમાંથી રાજીનામુ આપી દેતા છ બેઠકો અત્યારે ખાલી પડી છે. જે 6માં 4 કોંગ્રેસ તેમજ 1 AAP અને એક અપક્ષના ધારાસભ્યએ રાજીનામુ આપ્યું છે. અત્યારની સ્થિતિએ ભાજપ પાસે 156 બેઠકો છે. જ્યારે  કોંગ્રેસ પાસે 13 અને આમ આદમી પાર્ટી પાસે 4 અને અપક્ષ પાસે 2 અને સપા પાસે 1 બેઠક છે તો 6 બેઠકો ખાલી પડી છે. જેમાંથી પાંચ બેઠકોને ચૂંટણીની જાહેરાત કરાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news