ઉત્તર ગુજરાતના ગામેગામ ચર્ચાયો આ કિસ્સો, ચૂંટણી હારીને પણ બાઝીગર બન્યો એક ઉમેદવાર

ઉત્તર ગુજરાતના ગામેગામ ચર્ચાયો આ કિસ્સો, ચૂંટણી હારીને પણ બાઝીગર બન્યો એક ઉમેદવાર
  • 21 વર્ષિય યુવક અલ્પેશ ચૌધરી પીઢ અનુભવી ઉમેદવાર સામે હારી ગયો
  • ગ્રામજનોએ ભેગા મળી હારેલા ઉમેદવારને દસ લાખ રૂપિયા રોકડ એકઠા કરી આપ્યા
  • ગામ માટે તેને કરેલી હિંમત તેમજ પ્રોત્સાહનના ભાગરૂપે ગામે યુવાનને રકમ ભેટ આપી

અલકેશ રાવ/બનાસકાંઠા :ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનેક ઉમેદવારોના ભાગમાં જીત આવી તો કેટલાયના ભાગમાં હાર આવી. હારેલા ઉમેદવારનું આખી દુનિયામાં ક્યાંય ન થયુ હોય તેવુ સન્માન ગુજરાતના એક નાનકડા ગામમાં કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાતના સરહદી એવા સુઈગામના માધાપુરા ગામમાં સરપંચની ચૂંટણીમાં હારેલા ઉમેદવારનું અનોખું સન્માન કરાયું છે. સરપંચની ચૂંટણીમાં હારેલા 21 વર્ષીય ઉમેદવાર અલ્પેશ ચૌધરીને ગામ લોકોએ દસ લાખ રૂપિયા આપ્યા છે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં ઉમેદવારે કરેલો ખર્ચ અને પ્રોત્સાહનરૂપે આ ઈનામ ગામલોકોએ આપ્યું છે. 

સુઇગામ તાલુકાના મસાલી માધપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારેલા ઉમેદવારનું અનોખી રીતે સન્માન કરાયું છે. મસાલી માધપુરા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પીઢ અનુભવી અને ભાજપ અગ્રણી મંગીરામભાઈ રાવલ સામે અલ્પેશ ચૌધરી નામના 21 વર્ષિય યુવકે ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં મંગીરામભાઈને 755 મત મળ્યા હતા, જ્યારે અલ્પેશ અલ્પેશ ચૌધરી 699 મત મળતા તેઓ 56 વોટથી હારી ગયા હતા. તેમ છતાં પણ ગ્રામજનોએ તેમને સન્માનિત કર્યા હતા.

અલ્પેશ ચૌધરી હારી જતાં નાસીપાસ ના થાય અને આર્થિક રીતે પણ તે તૂટી ન જાય તે માટે ચૌધરી સમાજના આગેવાનો ભેગા થયા હતા. એક કલાકની અંદર ચૂંટણીમાં થયેલા ખર્ચ એટલે કે દસ લાખ રૂપિયા ભેગા કરી ઉમેદવારને પ્રોત્સાહન રૂપે આપ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે એક તરફ લોકો હારેલા ઉમેદવારને કોસતા હોય છે. તેમના તરફ કોઈ ધ્યાન આપતુ નતી. ત્યારે બીજી તરફ આ ગામમાં અંદર હારેલા ઉમેદવાર પણ હતાશ ન થાય તે માટે ગ્રામજનોએ તેનું અનોખી રીતે સન્માન કરતાં અન્ય ગ્રામજનો માટે પણ આ ઘટના દાખલા રૂપ સાબિત થઈ છે.

સરહદી વિસ્તારમાં હારેલા ઉમેદવાર અલ્પેશ ચૌધરીનું આ અનોખું સન્માન સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચર્ચાનું કારણ બન્યું છે. સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. ગ્રામપંચાયત ચૂંટણીમાં હારેલા ઉમેદવાર અલ્પેશ ચૌધરીએ જણાવ્યું હતું હું ગામ લોકોનો આભાર માનું છું. 21 વર્ષનો યુવાન હતાશ ન થાય તે માટે ગામ અને સમાજના આગેવાનો સાથે મળી કરેલી મદદ મને વધુ મજબૂત કર્યો છે. આગામી સમયમાં ગામના વિકાસ અને પ્રશ્નો માટે હું કાર્યરત રહીશ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news