કોંગ્રેસ સાથે બેસીને ભાજપ માટે થપથપાવી રહ્યાં છે પાટલીઓ, આ નેતાઓની હાલત કફોડી

વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપે ઘણા નેતાઓની ટિકિટ કાપી હતી. જે સમયે ઘણાએ નારાજગી દેખાડી હતી પણ આ નારાજગી જાહેરમાં આવી ન હતી. ગુજરાતમાં 3 નેતાઓએ જાહેરમાં બળવો કરીને ભાજપના ઉમેદવાર સામે જ ચૂંટણી લડી હતી.

કોંગ્રેસ સાથે બેસીને ભાજપ માટે થપથપાવી રહ્યાં છે પાટલીઓ, આ નેતાઓની હાલત કફોડી

ઝી બ્યુરો/ગાંધીનગર: ભાજપ સામે બળવો કરીને અપક્ષ તરીકે ચૂંટણી લડનારા ધારાસભ્યોની હાલત કફોડી થઈ ગઈ છે. મજાની વાત એછેકે, ત્રણેય અપક્ષ ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપ્યું છે છતાંય ભાજપ તો મગનું નામ મરી ય પાડવા તૈયાર નથી.

પાટીલે સ્પષ્ટ કહ્યું છે કે બળવાખોરો માટે ભાજપમાં કોઈ સ્થાન નથી આમ છતાં આ ધારાસભ્યો કમલમનાં પગથિયાં ઘસી આવ્યા છે. ગવર્નરને મળીને સમર્થનપત્ર આપી આવ્યા છતાં પણ ભાજપ આ મામલે ચૂપકીદી સાધીને બેઠું છે. ભાજપના 3 બળવાખોરો ચૂંટણી તો જીતી ગયા છે પણ ભાજપનો વિશ્વાસ ગુમાવી ચૂકયા છે. 

વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપે ઘણા નેતાઓની ટિકિટ કાપી હતી. જે સમયે ઘણાએ નારાજગી દેખાડી હતી પણ આ નારાજગી જાહેરમાં આવી ન હતી. ગુજરાતમાં 3 નેતાઓએ જાહેરમાં બળવો કરીને ભાજપના ઉમેદવાર સામે જ ચૂંટણી લડી હતી. તેઓ વિજેતા પણ બની ગયા છે પણ એમના નસીબ એટલા ખરાબ છે કે ભાજપને રેકોર્ડબ્રેક બહુમતિ મળી છે એટલે ભાજપને હવે જરૂર નથી. જેઓ સામેથી ભાજપને સમર્થન આપી રહ્યાં છે પણ ભાજપના નેતાઓ ચૂપ છે કારણ કે એ સમયે ભાજપે એમને સમજાવવાના બહુ જ પ્રયાસો કર્યા હતા પણ તેઓએ ધરાર ભાજપને અવગણીને ચૂંટણી લડી હતી. એ દાજને ભાજપ હજુ પણ ભૂલ્યું નથી.  

હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં કફોડી દશા ટિકીટ ન મળતાં ભાજપ સાથે બગાવત કરીને અપક્ષ ધારાસભ્યોની છે. વિધાનસભામાં કોગ્રેસના ધારાસભ્યો સાથે અલાયદા બેસવાનો વારો આવ્યો છે. અપક્ષ ધારાસભ્યોએ તો ભાજપને સમર્થન આપી ચૂક્યા છે પણ વિધાનસભાની બેઠક વ્યવસ્થા એવી ગોઠવાઇ છે કે, તેઓ વિપક્ષમાં હોય તેવો અનુભવ કરી રહ્યા છે. 

આ કફોડી પરિસ્થિતીને જોતાં અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, માવજી દેસાઇએ તો ભાજપના ધારાસભ્ય કંઇક પણ બોલે પાટલી થપથપાવીને સમર્થન આપીને રાજકીય ભ્રમ ભાંગવો પડ્યો હતો અને અમે ભાજપની સાથે છીએ તેવો દેખાડો કરવો પડ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news