જાતિ સમીકરણ અને ભૂતકાળ કોંગ્રેસની ફેવરમાં : મંત્રી રૂપાલાને આવશે ટેન્શન, ક્યાંક ભારે ન પડે લેઉવા પાટીદાર

Gujarat Loksabha Elections : કોંગ્રેસે હજી રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા સામે ઉમેદવારની જાહેરાત કરી નથી, પરંતું જો આ બેઠક પર પરેશ ધાનાણીને ટિકિટ અપાઈ તો ભાજપનો રૂપાલાને લોકસભામાં ઉતારવાનો ખેલ ઉંધો પડી શકે છે અહીં લેઉવા પાટીદારોનો દબદબો છે. જોકે, પરેશ ધાનાણી ચૂંટણી લડશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે. 

જાતિ સમીકરણ અને ભૂતકાળ કોંગ્રેસની ફેવરમાં : મંત્રી રૂપાલાને આવશે ટેન્શન, ક્યાંક ભારે ન પડે લેઉવા પાટીદાર

Gujarat Congress : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને જબરદસ્ત રસાકસી જામી રહી છે. ભાજપ અને કોંગ્રેસ આજકાલમાં જ પોતાના નામ જાહેર કરી શકે છે. ભાજપે 22 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેઓએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. કોંગ્રેસમાં અમદાવાદ પૂર્વના ઉમેદવારે તો વ્યક્તિગત કારણોનું બહાનું ચૂંટણી લડવાનો નનૈયો ભણી દીધો છે. હાલમાં સૌથી કપરી સ્થિતિ કોંગ્રેસની છે. કોંગ્રેસ માટે કદાવર ઉમેદવારો મળી રહ્યાં નથી. આમ છતાં કોંગ્રેસ અહીં તોડ કાઢી રહી છે. કોંગ્રેસ આજે બીજા 10 ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. આ  ઉમેદવારોની ટિકિટ ફાઈનલ છે અને ટેલિફોનિક જાણ સુધ્ધાં કરી દેવામાં આવી છે. કોંગ્રેસ હાઇકમાન્ડે ત્રણ વર્તમાન, ત્રણ પૂર્વ ધારાસભ્ય ઉપરાંત એક પૂર્વ સાંસદને ચૂંટણી મેદાને ઉતારવાનું લગભગ નક્કી કરી દીધું છે. સૌથી મોટી બાબત એ છે કે ભાજપે રાજકોટ બેઠક પર કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે. આ જોતાં કોંગ્રેસ હાઇકમાન્ડે પણ પાટીદાર યુવા ચહેરો અને પુર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપવાનુ મન બનાવ્યું છે. ૨૨ વર્ષ બાદ રાજકોટમાં પુરુષોત્તમ રુપાલા અને પરેશ ધાનાણી વચ્ચે જંગ જામશે. ગત લોકસભાની ચૂંટણીમાં અમરેલી ઉભા રહેલા પરેશ ધાનાણી હારી ગયા હતા. આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે અમરેલીને બદલે રાજકોટથી પરેશ ધાનાણીને ઉતારવાનું મન બનાવી લીધું છે. અહીં જબરદસ્ત ટક્કર થવાની સંભાવના છે. અહીં કડવા અને લેઉવા પાટીદાર વચ્ચે જંગ ખેલાવાનો છે. પરેશ ધાનાણી રાહુલ ગુપ્તાની જેમ આ બેઠક પરથી ચૂંટણી લડવાનો નનૈયો ભણશે એ કોંગ્રેસને પણ ડર છે. 

ધાનાણીને હલકામાં લેવાની ભૂલ ભાજપ નહીં કરે... 
તમને ખબર ના હોય તો વર્ષ ૨૦૦૨માં પરેશ ધાનાણીએ વિધાનસભાની ચૂંટણીમાં અમરેલીની બેઠક પરથી રુપાલાને ૧૬ હજાર મતોથી હરાવ્યા હતાં. હવે આ બેઠક પર બે પાટીદાર ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જામશે. રાજકોટ બેઠક પર ચાર લાખ લેઉવા પટેલ અને એક લાખ કડવા પટેલ મતદારો છે. આ જોતાં કોંગ્રેસ પરેશ ધાનાણી પર પસંદગીનો કળશ ઢોળાયો છે. પરેશ ધાનાણીએ લેઉવા પાટીદાર છે. રાજકોટ એ ભાજપનો ગઢ હોવાથી કોંગ્રેસને અહીં રૂપાલા ભારે પડી શકે છે પણ પરેશ ધાનાણીને હલકામાં લેવાની ભૂલ ભાજપ નહીં કરે... ભાજપને હેટ્રીક મારતો રોકવા માટે કોંગ્રેસ પણ મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહી છે. ભાજપે પોતાના બે કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયાને પોરબંદર અને પરસોત્તમ રૂપાલાને રાજકોટથી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જેમાં પોરબંદરમાં કોંગ્રેસે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને ટિકીટ આપી છે. હવે રાજકોટ બેઠક ઉપર કોંગ્રેસ લેઉવા પાટીદારને ટિકીટ આપી શકે છે. જે બેઠક પર હવે સૌ કોઈની નજર છે. 

જાયન્ટ કિલર છે ધાનાણી
પરેશ ધાનાણીએ અગાઉ પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી અને બાવકુ ઉંધાડ જેવા ભાજપના દિગ્ગજોને હરાવ્યા હતા. પરેશ ધાનાણી મોદી સરકારમાં મંત્રી તરીકે રહેલા અને ત્રણ વાર જીત મેળવનાર પુરુષોત્તમ રૂપાલાને 16 હજાર મતોથી હરાવીને જાયન્ટ કિલર તરીકે જાણીતા થયા હતા. તમે જાણી લો કોણ છે પરેશ ધાનાણી તો  માત્ર 26 વર્ષની ઉંમરે મજબૂત નેતાને હરાવીને રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા પરેશ ધાનાણીને સ્વાભાવિક રીતે જ વિપક્ષના નેતા બનવાની તક યુવા વયે જ મળી ગઈ હતી. સામાજિક સેવાની આ મૂડી પરેશ ધાનાણીને વારસામાં મળી, કદાચ એટલે જ 2000ની સાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બી.કૉમની ડિગ્રી મેળવ્યા પછી સમાજસેવાના હેતુ સાથે રાજકારણ તરફ આકર્ષાયા હતા. રાજકોટમાં કૉલેજકાળથી એનએસયુઆઈ સાથે જોડાઈ ગયેલા ધાનાણી વર્ષ 2001માં અમરેલી જિલ્લા યુવા કૉંગ્રેસ પ્રમુખ બન્યા હતા. હાલમાં અમરેલીમાં ભાજપનો દબદબો છે. 

2009માં કોંગ્રેસની થઈ હતી જીત
સૌરાષ્ટ્રની સૌથી મહત્વની મનાતી એવી રાજકોટ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠકની ભાજપનો ગઢ માનવામાં આવે છે. છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી અહીંથી ભાજપના ઉમેદવારો સતત જીતા આવ્યા છે. જ્યારે વર્ષ 2009માં આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અને હાલના ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો વિજય થયો હતો પરંતુ ત્યારબાદ સતત ભાજપના જ ઉમેદવાર જીતી રહ્યા છે. શરૂઆતમાં રાજકોટ લોકસભા બેઠક કોંગ્રેસની બેઠક મનાતી હતી પરંતુ વર્ષ 1967ની ચૂંટણીમાં તે સમીકરણો બદલાયા હતા અને વર્ષ 1989થી આ બેઠક હવે ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠકથી જીતેલા ઉમેદવારો કેન્દ્રીય મંત્રી સુધી પણ પહોંચ્યા છે. રાજકોટ બેઠક એ ભાજપનો ગઢ ગણાય છે. અહીંથી મોદી સહિત રૂપાણી જીતીને સીએમ બની ચૂક્યા છે. ભાજપે અહીં અમરેલીને બદલે રૂપાલાને રાજકોટમાંથી ચૂંટણી લડાવાનો નિર્ણય લીધો તો કોંગ્રેસે પણ અહીં પરેશ ધાનાણીને ઉતારી રહી છે. 

કોંગ્રેસના આ ઉમેદવારોને ટેલિફોનિક કરાઈ જાણ
આણંદ બેઠક પર વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા ચૂંટણી લડી શકે છે. આ બેઠકના મજબૂત દાવેદાર ગણાતાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરત સોલંકીએ ખુદ જ ચૂંટણી નહી લડવા એલાન કર્યું છે. હવે આ બેઠક માટે અમિત ચાવડા ભાજપના ઉમેદવાર મિતેષ પટેલને ટક્કર આપી શકે છે. આ જ પ્રમાણે, પાટણ બેઠક પર પણ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર મજબૂત ઉમેદવાર છે જે ભાજપના ભરત ડાભી સામે જોરદાર ટક્કર ઝીલી શકે તેમ છે. સાબરકાંઠા બેઠક પર ખેડબ્રહ્માના કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ડો.તુષાર ચૌધરીના ટિકિટ લગભગ ફાઈનલ છે. તુષાર ચૌધરીએ ખેડબ્રહ્મામાં અશ્વિન કોટવાલને હરાવીને અપસેટ સર્જાયો છે. પંચમહાલ બેઠક પર વર્તમાન ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને તો ટેલિફોનિક જાણ કરી ચૂંટણી પ્રચારમાં લાગી જવા સૂચના આપી દેવાઈ છે. ગુલાબસિંહે તેમના સમર્થકોને પણ આ મામલે જાણ કરી દીધી છે. દાહોદ બેઠક પર કોંગ્રેસે પૂર્વ સંસદ સભ્ય પ્રભા તાવિયાડને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. જ્યારે છોટા ઉદેપુર બેઠક પર વિધાનસભા વિપક્ષના પુર્વ નેતા સુખરામ રાઠવાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે તેમ છે. 

રાહુલ ગુપ્તાથી હાઈકમાન્ડ નારાજ
આ વિસ્તારમાંથી રાજ્યસભાના સભ્ય નારણ રાઠવા, પૂર્વ ધારાસભ્ય મોહન રાઠવા જેવા દિગ્ગજ નેતાઓએ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે ત્યારે સુખરામ રાઠવા કોંગ્રેસના મજબૂત ઉમેદવાર છે. જોકે, અમદાવાદ પૂર્વના ઉમેદવાર રાહુલ ગુપ્તાએ અન્ય પક્ષના રાજકીય-વ્યાપારિક સબંધ ખાતર છેલ્લી ઘડીએ મેદાન છોડી દેતાં હાઈકમાન્ડ ખફા થયું છે. ગઈકાલે મોડી રાત સુધી દિલ્હીમાં કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી જેમાં ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોને લઈને મંથન થયા બાદ નામો પર ફાઈનલ મહોર મારવામાં આવી હતી. આજે અથવા કાલે કોંગ્રેસના બીજા ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 8 માર્ચે રાહુલ ગાંધી સહિત 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. બીજી યાદી 12 માર્ચે જાહેર થઈ હતી. તેમાં નકુલ નાથ સહિત 43 ઉમેદવારોના નામ જાહેર થયા હતા. ગઈકાલે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાતની 10 સીટો, મહારાષ્ટ્રની 7 અને રાજસ્થાનની 8 સીટ ફાઈનલ થઈ ગઈ છે. આમ આજે ગુજરાતના બીજા 7 નામ જાહેર કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news