રસાકસીભર્યાં માહોલ બાદ કોંગ્રેસે મોડી રાત્રે જાહેર કર્યું 4 ઉમેદવારોનું લિસ્ટ

2019ની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોનું નામ નક્કી કરવામાં જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને નાકે દમ આવી ગયો હતો. પક્ષમાં આંતરિક વિખવાદ અને રસાકસીભર્યા માહોલ અને ખેંચતાણ વચ્ચે ઉમેદવારોના નામ નક્કી કરવામાં આંટા આવી ગયા હતા

રસાકસીભર્યાં માહોલ બાદ કોંગ્રેસે મોડી રાત્રે જાહેર કર્યું 4 ઉમેદવારોનું લિસ્ટ

ગૌરવ પટેલ/જય પટેલ/ગુજરાત :2019ની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોનું નામ નક્કી કરવામાં જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને નાકે દમ આવી ગયો હતો. પક્ષમાં આંતરિક વિખવાદ અને રસાકસીભર્યા માહોલ અને ખેંચતાણ વચ્ચે ઉમેદવારોના નામ નક્કી કરવામાં આંટા આવી ગયા હતા. ત્યારે આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે કોંગ્રેસે મોડીરાત્રે 20 ઉમેદવારનાં નામ જાહેર કર્યાં હતા. કોંગ્રેસે ગાંધીનગરથી ડો.સી.જે. ચાવડા, અમદાવાદ પૂર્વથી ગીતાબેન પટેલ, સુરેન્દ્રનગરથી સોમાભાઈ પટેલ તથા જામનગરથી મૂળુભાઈ કંડોરિયાને મેદાન ઉતારવાનું નક્કી કર્યું છે. 

અમદાવાદમાં ચાલતી અટકળોનો અંત
અમદાવાદ પૂર્વમાં હજી સુધી ભાજપે ઉમેદવાર જાહેર નથી કર્યો. આ એક જ બેઠક એવી છે, જેમાં ભાજપે હજી સુધી કોઈ જાહેરાત નથી કરી. ત્યારે કોંગ્રેસ ચર્ચામાં ચાલતા બધા નામોને બાજુએ મૂકી પાસના ગીતા પટેલને ટિકીટ આપીને તમામ અટકળોનો અંત આણ્યો છે. જોકે, કોંગ્રેસ માટે બીજી મોટી સમસ્યા એ ઉભી થવાની શક્યતા છે કે, ગીતાબેન પટેલ કોંગ્રેસી પણ નથી. ત્યારે પક્ષના કાર્યકર્તાઓને અન્યાય થતા નારાજગી વધવાના અને રાજીનામા પડવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. 

તો બીજી તરફ, અમિત શાહ સામે કોંગ્રેસ સી.જે.ચાવડાને ટિકીટ આપશે તે નક્કી જ હતું, ફક્તા પાર્ટીની સત્તાવાર જાહેરાત બાકી હતી. જામનગર સીટ પર મૂળુભાઈ કંડોરિયાની ટિકીટ આપીને કોંગ્રેસ આહીર સમાજના મત અંકે કરવાનો પ્રયાસ કર્યો છે. આ બેઠક પર લડનારા ભાજપના ઉમેદવાર પૂનમ માડમ પણ આહિર સમાજમાંથી આવે છે. ઉલ્લેખનીય છે કે, જામનગર સીટ પર બે લાખ જેટલા આહીર સમાજની વસ્તીનું મોટુ વર્ચસ્વ છે, ત્યારે આહીર સમાજના મતો મેળવવા માટે કોંગ્રેસે આ જ સમાજના મૂળુભાઈ કંડોરિયાને પૂનમ માડમ સામે મેદાનમાં ઉતાર્યાં છે. 

સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ લીંબડીના વર્તમાન ધારાસભ્ય સોમા પટેલને ટિકીટ આપી છે. કોળી સમાજના આ નેતા 2014ની લોકસભા ચૂંટણીમાં હારી ગયા હતા. જોકે, કોંગ્રસ માટે જ નહિ, પરંતુ ભાજપ માટે પણ આ સીટ પર કયા ઉમેદવારને ઉભા કરવા મોટી ચેલન્જ હતી. 

દાદરાનગર હવેલી પરથી પ્રભુ ટોકિયાને ટિકીટ
દાદરાનગર હવેલી લોકસભા બેઠકના ઉમેદવારની જાહેરાત પણ કોંગ્રેસે કરી દીધી છે. અહીં કોંગ્રેસે પ્રભુ ટોકિયાને ટિકીટ આપી છે. દાદરા નગરહવેલી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મોહન ડેલકરે પાર્ટીમાંથી રાજીનામુ આપી અપક્ષ ઉમેદવારી કરી છે. ત્યારે અનેક અટકળો બાદ ઉમેદવાર તરીકે પ્રભુ ટોકિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. પ્રભુ ટોકિયા કોંગ્રેસ સાથે પ્રદેશ અને દેશના અનેક આદિવાસી સંગઠનો સાથે જોડાયેલા છે. ત્યારે કોંગ્રેસને આદિવાસી વોટ બેંકનો સીધો ફાયદો મળી શકે છે. આ બેઠક પર ભાજપના નટુ પટેલ, અપક્ષ મોહન ડેલકર, કોંગ્રેસના પ્રભુ ટોકિયા અને અપક્ષ અંકિતા પટેલ એમ 4 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news