આવી રીતે ભણશે ગુજરાત? સુવિધાના અભાવે ગુજરાતમાં નાના ભૂલકાઓ દુકાનમાં કરે છે અભ્યાસ!

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા શિવનગરમાં આવેલી ભાડાની જર્જરિત દુકાનમાં ચાલતી 151 નંબરની આંગણવાડીમાં 50 જેટલા નાના નાના ભૂલકાઓ ભયના ઓથાર નીચે અભ્યાસ કરવા મજબુર બન્યા છે, રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ ભાવનગર શહેરમાં આવેલી 116 પૈકી મોટા ભાગની આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે

આવી રીતે ભણશે ગુજરાત? સુવિધાના અભાવે ગુજરાતમાં નાના ભૂલકાઓ દુકાનમાં કરે છે અભ્યાસ!

નવનીત દલવાડી/ભાવનગર: રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોવા છતાં ભાવનગર જિલ્લામાં નાના નાના ભૂલકાઓ જર્જરિત દુકાનમાં ચાલતી આંગણવાડીમાં ભયના ઓથાર તળે ભણવા મજબુર બન્યા છે, 50 જેટલા બાળકો ભાડા ની જર્જરિત દુકાનમાં ચાલતી આંગણવાડીમાં અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ કોઈ દુર્ઘટના સર્જાય તો આખરે જવાબદાર કોણ એ સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.

116 પૈકી મોટા ભાગની આંગણવાડી ભાડાના મકાનમાં!
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા શિવનગરમાં આવેલી ભાડાની જર્જરિત દુકાનમાં ચાલતી 151 નંબરની આંગણવાડીમાં 50 જેટલા નાના નાના ભૂલકાઓ ભયના ઓથાર નીચે અભ્યાસ કરવા મજબુર બન્યા છે, રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ ભાવનગર શહેરમાં આવેલી 116 પૈકી મોટા ભાગની આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે, જે પૈકીના મોટા ભાગના મકાનો જર્જરિત છે.

કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?
સરકાર આંગણવાડી કેન્દ્ર ચલાવવા મહિને 6 હજાર રૂપિયા ભાડું ચૂકવે છે, પરંતુ આજના સમયમાં આટલા ઓછા ભાડામાં મકાન મળવું મુશ્કેલ હોય શહેરના ભરતનગર ના શિવનગરમાં આવેલી 151 નંબર ની આંગણવાડી ભાડાંની જર્જરિત દુકાનમાં ચાલી રહી છે, દુકાન પણ ખૂબ જર્જરિત હોય કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એવો પ્રશ્ન બાળકોના વાલીઓ ના મનમાં ઉઠી રહ્યો છે.

જર્જરિત આંગણવાડી યોગ્ય જગ્યા પર શિફ્ટ કરવા સૂચના
જર્જરિત આંગણવાડી અંગે અધિકારીઓ, નેતાઓને અનેકવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં તેનો કોઈ જ ઉકેલ નહીં આવતા અંતે જાગૃતવાલી દ્વારા જર્જરિત આંગણવાડીનો વિડીયો બનાવી તેને વાયરલ કરવામાં આવતા ચકચાર મચી છે, અને કમિશ્નર દ્વારા આ જર્જરિત આંગણવાડી યોગ્ય જગ્યા પર શિફ્ટ કરવા સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. 

જર્જરિત ભાડાની દુકાનમાં અભ્યાસ કરવા મજબુર
ભાવનગર શહેરમાં આવેલી 116 આંગણવાડીઓ પૈકી મોટા ભાગની આંગણવાડી ને મનપા દ્વારા બનાવવામાં આવેલા પોતાના બિલ્ડિંગમાં શિફ્ટ કરી દેવામાં આવી છે, તેમ છતાંય હજુ પણ 66 જેટલી આંગણવાડી ભાડાના મકાનોમાં ચાલી રહી છે, ત્યારે આવી ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી ને સુરક્ષિત બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. પરંતુ શિવનગરમાં ભાડાની દુકાનમાં ચાલતી આંગણવાડીમાં હાલ તો 50 જેટલા બાળકો જે નવું મકાન મળવાની આશાએ જર્જરિત ભાડાની દુકાનમાં અભ્યાસ કરવા મજબુર બન્યા છે.

 કોંગ્રેસ દ્વારા પણ અનેક વખત રજૂઆતો
ભાવનગરે રાજ્યને બે બે શિક્ષણમંત્રીઓ આપ્યા હોવા છતાં ભાવનગર શહેરમાં શિક્ષણ, જર્જરિત શાળાઓ અને આંગણવાડી માટે અનેક સવાલો ઉઠી રહ્યા છે, કોંગ્રેસ દ્વારા પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ જેના તરફ દુરલક્ષ્ય સેવવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે, કમિશનરે જણાવ્યું હતું કે હાલ જે આંગણવાડીઓ છે જે ભાડાના મકાનો માં ચાલી રહી છે, તેના માટે નવા બિલ્ડીંગ બનાવવામાં આવી રહ્યા છે, જ્યાં ભાડાનો પ્રશ્ન છે ત્યાં મનપા દ્વારા વધારા નું ભાડું ચૂકવી યોગ્ય સુરક્ષિત જગ્યાઓ પર આંગણવાડી શિફ્ટ કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news