અલ્પેશ ઠાકોરનું મંત્રીપદ ના કપાય એ માટે એક સમયના જૂના સાથી કરશે મદદ, ચાવડાને ભારે પડશે

Loksabha Election 2024 : ભાજપે સીજે ચાવડાને રીપિટ કરતાં સ્થાનિક સ્તરે કાળો કકળાટ છે, ઉપરથી વિજાપુર સીટ પરના સમીકરણો કોંગ્રેસના બળવાખોર નેતા ચાવડાને નડી રહ્યાં છે, આવામાં અલ્પેશ ઠાકોરના એક સમયના સાથી રામજી ઠાકોર તેમની જીતમાં વિલન બની શકે છે

અલ્પેશ ઠાકોરનું મંત્રીપદ ના કપાય એ માટે એક સમયના જૂના સાથી કરશે મદદ, ચાવડાને ભારે પડશે

Gujarat Politics : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે એમ સમીકરણો બદલાઈ રહ્યાં છે.  ભાજપે 26માંથી 26 બેઠકો જીતવાનો ટાર્ગેટ મૂકયો છે. ભાજપ માટે હાલમાં ફોકસ એ લોકસભા છે આમ છતાં એ ન ભૂલવું જોઈએ કે લોકસભા સાથે 5 વિધાનસભાની ચૂંટણી પણ લડાઈ  રહી છે. પોરબંદરમાં તો મોઢવાડિયા અને લાડાણી મનસુખ માંડવિયાને મદદ કરશે, પણ વિજાપુર સીટ પરના સમીકરણો કોંગ્રેસના બળવાખોર નેતા ચાવડાને નડી રહ્યાં છે. અહીં ચાવડા એકલા પડ્યા હોય એવી સ્થિતિ ઉભી થઈ છે. સ્થાનિક સમીકરણો અને ક્ષત્રિયોની નારાજગી ચાવડાને ભારે પડી રહી છે. 

ગત વિધાનસભાની ચૂંટણીમાં  સી. જે. ચાવડા કોંગ્રેસમાંથી 7000 મતથી જીત્યા હતા, પણ પાટલી બદલીને ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપ એમની જ સીટ પરથી ફરી ચૂંટણી લડાવી રહી છે. ચાવડા અહીંથી જીતી ગયા તો કેબિનેટ મંત્રી બને તેવી પૂરી સંભાવના છે પણ અહીં અલ્પેશ ઠાકોરના એક સમયના સાથી રામજી ઠાકોર તેમની જીતમાં વિલન બની જશે. ચાવડા ભાજપમાં જોડાતાં અહીં પાટીદાર સમાજનું પિક્ચર પુરૂ થઈ જાય તેવી સંભાવનાને પગલે રમણ પટેલ, પીઆઈ પટેલ અને સુરેશ પટેલ કેવો ટેકો આપે છે તેની પર મોટો આધાર છે. કોંગ્રેસે પણ અહીં ખેલ કરી પાટીદાર સમાજના અગ્રણીને ટિકિટ આપી છે. કોગ્રેસમાંથી દિનેશ પટેલ ચૂંટણી લડી રહ્યાં છે જો અહીં સી. જે વનવે જીતી જાય અને આ બેઠક પરથી મંત્રી બને તો પાટીદાર સમાજનું રાજકારણ અહીં પુરૂ થવાની પૂરી સંભાવના છે. જેથી પાટીદારો સાથે રહેશે કે કેમ એ મોટો સવાલ છે. અહીં પાટીદાર સમાજ એક થયો અને ક્ષત્રિયોની નારજગી વચ્ચે રામજી ઠાકોર નડ્યા તો ચાવડાનું આ બેઠક પર પિક્ચર પુરૂ થાય તેવી સંભાવના છે. ભાજપે પણ અહીં એક્ટિવ થઈને સ્થાનિક નેતાઓ ટેકો પૂરો પાડે એ માટે એલર્ટ બનવું જરૂરી છે. કોંગ્રેસે અહીં પાટીદાર અગ્રણીને ટિકિટ આપી છે. 

ચાવડા પર ભાજપૂતનો સિક્કો..
રામજી ઠાકોર ઠાકોર સમાજના મત તોડશે અને ચાવડા પર હાલમાં ભાજપૂતનો સિક્કો હોવાથી ક્ષત્રિયો પણ નારાજ છે. અહીં ગરાશિયા દરબારોનો વટ છે પણ જેઓ ચાવડાથી નારાજ છે. જેમના દમ પર જ ચાવડા આ બેઠક જીત્યા હતા. જો રૂપાલા વિવાદનો ઉકેલ નહીં આવ્યો તો ચાવડાને આ વિવાદ ભારે પડશે તેમાં કોઈ શંકા નથી. ચાવડા મંત્રી બનવા માટે ભાજપમાં જોડાયા છે પણ એમના અરમાનો અધૂરા રહે તેવી પૂરી સંભાવના છે. કોંગ્રેસે અહીં મોટો ખેલ કર્યો છે. રામજી ઠાકોર એ એક સમયે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરના કરીબી હતા. જેઓ સી. જે ચાવડાને નડીને અલ્પેશ માટે મંત્રીપદના દરવાજા ખુલ્લા રાખી શકે છે. ચાવડા જીતે તો અલ્પેશ ઠાકોર માટે લીલીપેનથી સહી કરવાના સપનાં રોળાઈ શકે તેમ છે. 

ક્ષત્રિય સમાજના સ્ટેજ પર મુખ્ય મહેમાન બનીને બિરાજતા સી. જે ચાવડાએ ભાજપૂત હોવાનું સાબિત કર્યું છે. જે ક્ષત્રિયોમાં કણાની જેમ ખૂંચી રહ્યું છે. વિજાપુરમાં પાટીદારોના મત સાથે ક્ષત્રિયોના વોટ પણ એટલા જ અગત્યના છે. વિજાપુર વિધાનસભા બેઠક પર 36 ટકાથી વધારે પાટીદારોનું પ્રભુત્વ છે. મહેસાણા જીલ્લાની વિજાપુર વિધાનસભાના જાતીય ગણિત પર નજર કરીએ તો મતદારોમાં પાટીદાર 37.7 ટકા, ઠાકોર 16.2 ટકા, ક્ષત્રિય 11.6 ટકા, દલિત 11.5 ટકા, ઓબીસી 13.8 ટકા, બ્રાહ્મણ 4.0 ટકા જેટલાં છે. આ બેઠક પર 70 હજાર પાટીદાર મતદારો છે. જેના લીધે આ બેઠક પર મહેસાણા જીલ્લાની અન્ય બેઠકોની જેમ રસાકસી જોવા મળે છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેનો દબદબો જોવા મળે છે. 

વિજાપુર બેઠક પરથી 7053 વોટથી વિજેતા બન્યા
અહીં જો કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર ઉતાર્યા છે, સીજે ચાવડાને ક્ષત્રિયોનો વિરોધ અને પટેલ ઉમેદવાર ભારે પડી શકે છે. સી જે ચાવડા 2022ની વિધાનસભાની ચૂંટણીમાં વિજાપુર બેઠક પરથી 7053 વોટથી વિજેતા બન્યા હતા. આ બેઠક કોંગ્રેસ અને ભાજપ બંનેને ચાન્સ આપે છે. અહીં પાટીદારોની વોટબેંક સૌથી વધારે છે. હાલમાં ભાજપે સીજે ચાવડાને રીપિટ કરતાં સ્થાનિક સ્તરે કાળો કકળાટ છે. 

હવે ચાવડાના હારતોરા કરી વાહવાહી કરવી એ ગળે ઉતરતું નથી
2 વર્ષ પહેલાં ચાવડા વિરોધમાં પ્રચાર કરનાર ભાજપના સ્થાનિક નેતાઓને હવે ચાવડાના હારતોરા કરી વાહવાહી કરવી એ ગળે ઉતરતું નથી. ભાજપે ચાવડાને પક્ષપલટો કરાવી ભાજપમાં લઈ તો લીધા છે પણ ચાવડા માટે ક્ષત્રિયો ના વિરોધ વચ્ચે અહીંથી જીતવું અઘરું છે. ચાવડાએ ભાજપમાં જોડાતાં પહેલાં લીલીપેનનો કરાર કર્યો છે પણ ચાવડા જીતે નહીં તો એમની અહીંથી કારકીર્દી પૂરી થઈ જવાની સંભાવના છે.

37 ટકા પાટીદારોની વોટબેંક છે એ ભાજપે ન ભૂલવું જોઈએ
ચાવડા પણ અલ્પેશ ઠાકોર અને હાર્દિકની લાઈનમાં આવી જશે. સીજે ચાવડાએ ક્ષત્રિયોના વિવાદ વચ્ચે ભાજપૂત થવું ભારે પડી શકે છે. અહીં ક્ષત્રિયોના 11 ટકા મત છે. જો ક્ષત્રિયોએ સપોર્ટ ના કર્યો તો અહીંથી ચાવડા લીલાતોરણે ઘરભેગા થઈ શકે છે. સ્થાનિક લેવલે જ્ઞાતિવાદ પર ચૂંટણી લડાય છે અહીં ભાજપે ક્ષત્રિયને ટિકિટ આપી છે. અહીં 37 ટકા પાટીદારોની વોટબેંક છે એ ભાજપે ન ભૂલવું જોઈએ. 70 હજાર પાટીદારો અહીં એક થયા તો ચાવડાને નુક્સાન ભોગવવું પડી શકે એમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news