ગુજરાતના આ શહેરમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ, અપાયું એલર્ટ

Severe Heatwave Alert : ગુજરાતના લોકોને હાલ નહીં મળે ગરમીથી રાહત, રાજ્યમાં પાંચ દિવસ હીટવેવની આગાહી, વલસાડ, કચ્છમાં પાંચ દિવસ હીટવેવની શક્યતા, ભાવનગર, સુરેન્દ્ર, પોરબંદરમાં રહેશે હીટવેવ

ગુજરાતના આ શહેરમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ, અપાયું એલર્ટ

Surendra Nagar Heatwave : ગુજરાતમાં ગાભા કાઢી નાંખો તેવી ગરમી પડી રહી છે. ગરમીનો પારો એટલો ઉંચકાયો છે કે, શરીર દાઝી જાય. આવામાં આજે શનિવારે સુરેન્દ્રનગર જિલ્લો સૌથી ગરમ જિલ્લો બન્યો છે. 44.7 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર જિલ્લાએ વર્ષ 2024 ની ગરમીના તમામ રેકોર્ડ તોડ્યા છે. અહીં આગ ઝરતી ગરમીમાં લોકોને બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે. 

સુરેન્દ્રનગર સૌથી હોટ 
હવામાન વિભાગના આંકડા અનુસાર, આજે સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતનો સૌથી ગરમ જિલ્લો બન્યો છે. સુરેન્દ્રનગરનું તાપમાન 44.7 ડિગ્રીએ પહોંચ્યું છે. જે કારણે લોકોને ઘર બજાર ન નીકળવા અપીલ કરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. હજુ પણ તાપમાન વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બાળકો અને વૃધ્ધો હીટસ્ટ્રોકથી બચે તે અંગે પણ અપીલ કરાઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા લોકોને બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. 

વડોદરામાં ડુંગળી લસણનો ઉપયોગ વધ્યો
શહેરમાં ગરમીનો પારો વધતા વડોદરા નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીથી બચવા નાગરિકો હાલ ઠંડક અપાવે તેવી વસ્તુઓનો સહારો લઈ રહ્યાં છે. ગરમીમાં લૂ ના લાગે તે માટે ડુંગળી લસણનો પણ ઉપયોગ કરી રહ્યા છે. ગરમીથી બચવા માટે લોકો બપોરના સમયે બહાર જવાનું ટાળી રહ્યાં છે. 

સૌરાષ્ટ્રભરમાં હીટવેવ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હીટવેવ જોવા મળી છે. રાજકોટમાં આજે 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ શહેરમાં શેરડીના રસના ચિચોડા કાર્યરત બન્યા છે. શેરડીના રસની ડિમાન્ડ વધી છે. તો બપોરના સમયે રાજકોટના રસ્તાઓ સુમસાન જોવા મળ્યા છે. 

હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યના લોકોને ગરમીથી રાહત નહિ મળે. તો વલસાડમાં પાંચ દિવસ હિટવેવની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, ભાવનગર, સુરેન્દ્રનગર , પોરબંદર, કચ્છમાં હિટવેવની આગાહી છે. ગુજરાતમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં ગરમ અને ભેજનું વાતાવરણ રહેશે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી રહેવાની શક્યતા છે, તો ગાંધીનગરમાં પણ તાપમાન 44 ડિગ્રી રહ્યું છે. અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી છે. સૌથી વધુ 44.7 ડિગ્રી સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. 

તંત્ર દ્વારા નાગરિકોને સલાહ 
બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news