T20 World Cup: IPLમાં નબળું પ્રદર્શન છતાં ટી20 વર્લ્ડ કપ ટીમમાં હાર્દિકની કેમ થઈ પસંદગી? ચીફ સિલેક્ટરે આપ્યો જવાબ

T20 World Cup: ટી20 વર્લ્ડ કપ 2024 માટે જે ટીમ જાહેર થઈ તેમાં હાર્દિક પંડ્યાનું નામ જોઈને ક્રિકેટ પ્રેમીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. એટલું જ નહીં તેને વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો. જેને લઈને સિલેક્ટર્સ પણ ખુબ ટ્રોલ થયા. હવે આ બધા વચ્ચે ચીફ સિલેક્ટર અજીત અગરકરે ભારતની ટી20 વિશ્વકપ ટીમમાં હાર્દિક પંડ્યાની પસંદગી વિશે મોટું નિવેદન આપ્યું છે. 

T20 World Cup: IPLમાં નબળું પ્રદર્શન છતાં ટી20 વર્લ્ડ કપ ટીમમાં હાર્દિકની કેમ થઈ પસંદગી? ચીફ સિલેક્ટરે આપ્યો જવાબ

વનડે વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત થઈને ટુર્નામેન્ટમાં અધવચ્ચે બહાર થયા બાદ હાર્દિક પંડ્યા સીધો આઈપીએલ 2024માં રમવા માટે ઉતર્યો હતો. ટુર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન તરીકે રમી રહ્યો છે. જો કે ટીમના કેપ્ટન અને પર્સનલ પરફોર્મન્સ બંનેમાં કોઈ દમ જોવા મળ્યો નથી. બેટ અને બોલથી કોઈ ખાસ પ્રદર્શન ન કરી શકનાર હાર્દિક રોજેરોજ ટ્રોલ થાય છે. આ બધા વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2024 માટે જે ટીમ જાહેર થઈ તેમાં હાર્દિક પંડ્યાનું નામ જોઈને ક્રિકેટ પ્રેમીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. એટલું જ નહીં તેને વાઈસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો. જેને લઈને સિલેક્ટર્સ પણ ખુબ ટ્રોલ થયા. હવે આ બધા વચ્ચે ચીફ સિલેક્ટર અજીત અગરકરે ભારતની ટી20 વિશ્વકપ ટીમમાં હાર્દિક પંડ્યાની પસંદગી વિશે મોટું નિવેદન આપ્યું છે. 

ચીફ સિલેક્ટર અજીત અગરકરે ભારતની ટી20 વર્લ્ડ કપ ટીમમાં હાર્દિક પંડ્યાની પસંદગીનો બચાવ કરતા કહ્યું કે ટીમને સંતુલન આપવા ઉપરાંત ફીટ હોય ત્યારે તે જે કરી શકે છે તેનો કોઈ વિકલ્પ નથી. તેમણે સાથે એ પણ કહ્યું કે ખેલાડીઓની પસંદગી આઈપીએલમાં પ્રદર્શનથી પ્રભાવિત નથી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે આઈપીએલમાં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા હાર્દિકની ટી20 વિશ્વકપ ટીમમાં વાઈસ કેપ્ટન તરીકે પસંદગી થતા ક્રિકેટ જગત અચંબીત છે. હાર્દિકે વનડે વિશ્વકપમાં ભારત માટે એકમાત્ર મેચ ઓક્ટોબર 2023માં બાંગ્લાદેશ વિરુદ્ધ રમી હતી. 

અગરકરે કર્યા વખાણ
અજીત અગરકરે કહ્યું કે, "વાઈસ કેપ્ટન્સીને લઈને કોઈ વાત નથી થઈ. તેણે હજુ સુધી મુંબઈ ઈન્ડિયન્સ  માટે તમામ મેચો રમી છે. આપણે એક મહિના અને થોડા દિવસ બાદ પહેલી મેચ રમવાની છે. તે ફીટ હશે તો જે તે કરી શકે છે, તેનો કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે તે ઈજા બાદ લાંબા સમય પછી વાપસી કરી રહ્યો છે. અમને આશા છે કે તે તેના પર કામ કરી રહ્યો છે. બોલિંગ કરે ત્યારે તે રોહિતને ઘણા વિકલ્પ અને સંતુલન આપી શકે છે." અગરકરે એમ પણ કહ્યું કે "જ્યાં સુધી તે ફીટ રહે છે તો અમને ખબર છે કે તે શું કરી શકે છે. તે ટીમને કેટલું સંતુલન આપે છે. મને નથી લાગતું કે હાલ એક ક્રિકેટર તરીકે તે જે કરી શકે છે, તેનો કોઈ વિકલ્પ હોય, ખાસ કરીને જ્યારે વાત તેની બોલિંગ કરવાની રીતની હોય."

રોહિત શર્માને પણ મળશે મદદ-અગરકર
અગરકરે એમ પણ કહ્યું કે, "વાસ્તવમાં પોતાના સંતુલન સાથે તે રોહિતને અલગ અલગ સંયોજનોમાં રમવાનો વિકલ્પ આપે છે, આથી અમારા માટે તેની ફિટનેસ ખુબ મહત્વની છે અને અત્યાર સુધી સદનસીબે તે એક ખેલાડી તરીકે ઠીક ઠીક પ્રદર્શન કરી રહ્યો છે." હાર્દિક આઈપીએલ પહેલા જ ઈજામાંથી બહાર આવ્યો છે અને રોહિતની જગ્યાએ તેને મુંબઈનો કેપ્ટન બનાવવામાં આવતા પ્રશંસકોમાં ખુબ રોષ પણ છે. અગરકરે કહ્યું કે પસંદગી સમિતિ અને કેપ્ટન રોહિત એ વાતને લઈને સ્પષ્ટ હતા કે તેઓ શું ઈચ્છે છે અને આઈપીએલમાં ખેલાડીઓના વ્યક્તિગત પ્રદર્શને તેમને વધુ પ્રભાવિત કર્યા નથી. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં અમારી વાતચીત થઈ છે આથી તમને એ વાતનો અંદાજો છે કે તમે શું ઈચ્છો છો. આઈપીએલ દરમિયાન  બેશક કેટલાક સારા પ્રદર્શન થયા જેના પર તમે નજર રાખો છો, ખેલાડીઓની ફિટનેસ સ્તર ઉપર પણ. 

અગરકરે કહ્યું કે, પરંતુ જો તમે ત્રણ ચાર અઠવાડિયાના ક્રિકેટથી પ્રભાવિત થવા લાગો તો છેલ્લા કેટલાક મહિનાઓમાં તમારી સોચમાં કઈંક ગડબડ છે. અમે એ વાતને લઈને સ્પષ્ટ હતા કે અમે શું કરવા ઈચ્છીએ છીએ. બેશક બધા સારા પ્રદર્શનો પર ધ્યાન આપવામાં આવે છે અને આગળ વધવામાં તે કોઈ પણ મામલામાં અમારી મદદ કરશે. રાહુલ વિશે પણ તેમણે કહ્યું કે "ટીમને મધ્યક્રમના બેટરની જરૂર હતી અને આ કારણ છે કે સંજૂ સેમસનની પસંદગી થઈ. તેમણે કહ્યું કે કે એલ રાહુલ એક શાનદાર ખેલાડી છે અને અમે બધા જાણીએ છીએ. અમારે મધ્યક્રમના બેટરની જરૂર હતી અને તેઓ ટોચના ક્રમના બેટર છે. સંજૂમાં તે ક્ષમતા છે. ઋષભ પણ પાંચમા નંબરે ઉતરે છે તો આ જ અમે વિચારતા હતા."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news