RCB vs DC: બેંગલુરૂની સતત પાંચમી જીત, દિલ્હી કેપિટલ્સને 47 રને હરાવ્યું

IPL 2024: રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ આજે પોતાના હોમ ગ્રાઉન્ડમાં દિલ્હી કેપિટલ્સને 47 રને પરાજય આપ્યો છે. આ જીત સાથે આરસીબીની પ્લેઓફની આશા પણ જીવંત છે. 

RCB vs DC: બેંગલુરૂની સતત પાંચમી જીત, દિલ્હી કેપિટલ્સને 47 રને હરાવ્યું

બેંગલુરૂઃ  રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ પ્લેઓફની આશા જીવંત રાખતા દિલ્હી કેપિટલ્સને 47 રને કારમો પરાજય આપ્યો છે. ટૂર્નામેન્ટમાં આ બેંગલુરૂની સતત પાંચમી જીત છે. આરસીબીની ટીમ 12 પોઈન્ટ સાથે ટેબલમાં પાંચમાં સ્થાને છે અને તેની એક મેચ બાકી છે. બીજીતરફ આરસીબી સામે હાર બાદ દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીના પણ 12 પોઈન્ટ છે અને તેની એક મેચ બાકી છે. આજે પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ 20 ઓવરમાં 9 વિકેટે 187 રન ફટકાર્યા હતા. જેની સામે દિલ્હી કેપિટલ્સ 140 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

પાવરપ્લેમાં દિલ્હીનો ધબડકો
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીને પ્રથમ ઓવરમાં ઝટકો લાગ્યો હતો. ડેવિડ વોર્નર 1 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ અભિષેક પોરેલ પણ માત્ર 2 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ફ્રેઝર મેકગર્ક 8 બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સ સાથે 21 રન બનાવી રનઆઉટ થયો હતો. જ્યારે કુમાર કુષાગ્ર પણ 2 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. દિલ્હી કેપિટલ્સે 30 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. 

કેપ્ટન અક્ષર પટેલની અડધી સદી
દિલ્હી તરફથી કેપ્ટન અક્ષર પટેલે અડધી સદી ફટકારી હતી. અક્ષર 39 બોલમાં 5 ફોર અને 3 સિક્સ સાથે 57 રન બનાવી આઉટ થયો હતો. આ સિવાય શાઈ હોપે 29 રન બનાવ્યા હતા. ટ્રિસ્ટન સ્ટબ્સ પણ 3 રન બનાવી રનઆઉટ થયો હતો. આ સિવાય કુલદીપ યાદવ 6 અને મુકેશ કુમાર 3 રન બનાવી આઉટ થયા હતા. 

આરસીબી તરફથી યશ દયાલે 3.1 ઓવરમાં 20 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે બે સફળતા લોકી ફર્ગ્યુસનને અને એક-એક વિકેટ સ્વપ્નિલ સિંહ, કેમરૂન ગ્રીન અને સિરાજને મળી હતી.

પાટીદાર, જેક્સ અને ગ્રીનનું મહત્વનું યોગદાન
ચિન્નાસ્વામીમાં ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ 20 ઓવરમાં 9 વિકેટે 187 રન ફટકાર્યા હતા. આરસીબી તરફથી રજત પાટીદારે અડધી સદી ફટકારી હતી. પાટીદારે 32 બોલમાં 3 ચોગ્ગા અને ત્રણ સિક્સ સાથે 52 રન ફટકાર્યા હતા. આ સિવાય વિલ જેક્સે 29 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સ સાથે 41 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે કેમરૂન ગ્રીન 24 બોલમાં 32 રન બનાવી અણનમ રહ્યો હતો. 

આક્રમક શરૂઆત બાદ કોહલી આઉટ
કોહલીએ શરૂઆતથી આક્રમક વલણ અપનાવ્યું હતું. વિરાટ કોહલીએ 13 બોલમાં 3 સિક્સ અને 1 ચોગ્ગા સાથે 27 રન બનાવ્યા હતા. જ્યારે ફાફ ડુ પ્લેસિસ 6 રન બનાવી આઉટ થયો હતો. મહિપાલ લોમરોરે 13, દિનેશ કાર્તિક શૂન્ય, સ્વપ્નિલ સિંહ 0 અને કર્ણ શર્મા 6 રન બનાવી આઉટ થયા હતા. 

દિલ્હી તરફથી ખલીલ અહમદ અને રશિખ સલામે બે-બે વિકેટ લીધી હતી. આ સિવાય ઈશાંત શર્મા, મુકેશ કુમાર અને કુલદીપ યાદવને એક-એક સફળતા મળી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news