વારાણસીમાં PM મોદીની જીત માટે આ ગુજરાતી નેતાઓેને સોંપાઈ મોટી જવાબદારી

Loksabha Election 2024 : ગુજરાત ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓએ વારાણસીમાં સંભાળ્યો મોરચો, પ્રચારથી લઈને વોટિંગ વધારવાની જવાબદારી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરી એકવાર મોટા માર્જિનથી જીતાડવા મોરચો સંભાળ્યો 
 

વારાણસીમાં PM મોદીની જીત માટે આ ગુજરાતી નેતાઓેને સોંપાઈ મોટી જવાબદારી

Varanasi Loksabha : લોકસભાની ચૂંટણીમાં ગુજરાતનુ મતદાન થઈ ગયું છે. ત્યારે હવે ભાજપે જ્યાં ચૂંટણી બાકી છે ત્યાં ગુજરાતના નેતાઓને ચૂંટણી પ્રચારમાં મેદાનમાં ઉતર્યા છે. ત્યારે વારાણસીમાં 1 જૂને સાતમા તબક્કામાં મતદાન થવાનું છે. વારાણસી લોકસભા બેઠક પરથી પીએમ મોદીએ ઉમેદવારી કરી છે. ત્યારે ફરી એકવાર વારાણસીમાં પ્રધાનમંત્રીને જીતાડવા માટે ગુજરાતના નેતાઓને જવાબદારી સોંપાઈ છે. આ નેતાઓએ વારાસણીમાં મોરચો હાથ ધર્યો છે. 

વારાણસીમાં પ્રધાનમંત્રીની જીત માટે ગુજરાતના નેતાઓનો મોટો રોલ રહ્યો છે. વારાણસીમાં ગુજરાતના નેતાઓેને વિવિધ રોલ અંતર્ગત કામગીરી સોંપાઈ છે. હાલ ગુજરાતના ત્રણ દિગ્ગજ નેતા વારાણસીમાં મોદીની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ ત્રણેય નેતાઓ પોતાના માઈક્રો પ્લાનિંગથી વારાણસીમાં ફરી એકવાર ભાજપની જીતનો પરચમ લહેરાવશે. ત્યારે આ ત્રણ નેતાઓ છે રત્નાકર, ઋષિકેશ પટેલ અને સીઆર પાટીલ. 

આ નેતાઓને સોંપાઈ જવાબદારી
ભાજપ વારાણસીમાં ફરીથી પ્રધાનમંત્રી મોદીને મોટા માર્જિનની જીતની હેટ્રિક સાથે જીતાવવા માંગે છે. આ માટે ફરીથી ગુજરાતના નેતાઓએને વારાણસીમાં ઉતારાયા છે. ગુજરાત ભાજપના નેતાઓને વારાણસીમાં ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર અને મંત્રી ઋષિકેશ પટેલને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે પણ વારાણસીમાં માઈક્રો પ્લાનિંગ હાથ ધર્યું છે, જે રીતે તેમણે ગુજરાતમાં મોરચો સંભાળ્યો હતો. 

પાટીલનો વારાણસીમા મોટો રોલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પહેલીવાર વારાણસીથી ચૂંટાયા ત્યારે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે ત્યાં લાંબા સમય સુધી ધામા નાંખ્યા હતા. પાટીલે માઈક્રો પ્લાનિંગ કરીને પીએમ મોદીની જીતમાં પડદા પાછળ રોલ ભજવ્યો હતો.  આ વખતે પણ સી.આર. પાટીલની ડ્યુટી વારાણસી બેઠક પર છે. તેમની ટીમ માઈક્રો મેનેજમેન્ટનું કામ જોઈ રહી છે. વારાણસીમાં ભાજપે સી.આર. પાટીલના નેતૃત્વમાં પન્ના પ્રમુખ અને પેજ સમિતિનો ઉપયોગ કર્યો હતો. પાટીલના નેતૃત્વમાં આ ટીમ મતદાનની સાંજ સુધી વારાણસીમાં સક્રિય રહેશે. પાટીલની ટીમમાં સામેલ યુવાનોને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં સ્લિપ વિતરણથી લઈને રિપોર્ટિંગ અને મોનિટરિંગ સુધીના કામનો સમાવેશ થાય છે.

ગુજરાતના નેતાઓ અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં લાગ્યા
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 25 લોકસભા અને પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન પૂરું થયા બાદ પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરના આગેવાનોને તેના પ્લાન મુજબ જુદા જુદા રાજ્યોમાં જવાબદારી સોંપવામાં આવી છે. આ જવાબદારીના ભાગરૂપે આ તમામ આગેવાનો ચૂંટણી વ્યવસ્થામાં જોતરાઈ ગયા છે. ગુજરાત ભાજપના પ્રદેશ આગેવાનો અન્ય રાજ્યોના ચૂંટણીના પ્રચાર પ્રસાર અને વ્યવસ્થામાં ઉતારવામાં આવ્યા છે. અંદાજે 200 જેટલા આગેવાનો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, વારાણસી, હરિયાણા સહિતના રાજ્યોમાં પહોંચી ચૂક્યા છે. ત્રણ તબક્કાની ગુજરાતની ચૂંટણી પૂરી કરીને આ તમામ આગેવાનો વિવિધ મતવિસ્તારમાં જવાબદારી નિભાવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news