LSG vs KKR: કોલકત્તાનો કમાલ, લખનૌને 98 રને કારમો પરાજય આપી પોઈન્ટ ટેબલમાં બન્યું નંબર-1

IPL 2024: કોલકત્તા નાઈટ રાઈડર્સે આઈપીએલ-2024માં આઠમી જીત મેળવી છે. કોલકત્તાના 16 પોઈન્ટ થઈ ગયા છે અને તે સારી નેટ રનરેટની મદદથી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. 

LSG vs KKR: કોલકત્તાનો કમાલ, લખનૌને 98 રને કારમો પરાજય આપી પોઈન્ટ ટેબલમાં બન્યું નંબર-1

લખનૌઃ કોલકત્તા નાઈટ રાઈડર્સે લખનૌ સુપર જાયન્ટ્સને તેના ઘરમાં 98 રને કચડી મહાજીત મેળવી છે. આ જીતની સાથે કોલકત્તા નાઈટ રાઈડર્સ આઈપીએલ-2024માં પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. કોલકત્તાના 8 જીત સાથે 16 પોઈન્ટ થઈ ગયા છે. લખનૌ સામે પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ 20 ઓવરમાં 6 વિકેટે 235 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 16.1 ઓવરમાં માત્ર 137 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મોટી હારને કારણે લખનૌને નેટ રનરેટમાં પણ મોટું નુકસાન થયું છે. 

કોલકત્તાએ આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનૌને 20 રન પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. અર્શિન કુલકર્ણી 9 રન બનાવી સ્ટાર્કનો શિકાર બન્યો હતો. જ્યારે કેપ્ટન કેએલ રાહુલ 21 બોલમાં 3 ફોર સાથે 25 રન બનાવી આઉટ થયો હતો. માર્કસ સ્ટોયનિસે 21 બોલમાં 4 ફોર અને બે સિક્સ સાથે 36 રન બનાવ્યા હતા. દીપક હુડ્ડા પણ માત્ર 5 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. 

નિકોલસ પૂરન 10 રન બનાવી રસેલનો શિકાર બન્યો હતો. આયુષ બદોની 15 અને એશ્ટન ટર્નર 16 રન બનાવી આઉટ થયા હતા. ક્રુણાલ પંડ્યા પણ 5 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે યુદ્ધવીર સિંહ 7 રન બનાવી ચક્રવર્તીની ઓવરમાં કેચઆઉટ થયો હતો. 

કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી હર્ષિત રાણા અને વરૂણ ચક્રવર્તીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય આંદ્રે રસેલને બે તથા નારાયણ અને સ્ટાર્કને એક-એક વિકેટ મળી હતી. 

પાવરપ્લેમાં રનનો વરસાદ
કોલકત્તા નાઈટ રાઈડર્સના ઓપનરોએ આઈપીએલ-2024માં ધમાલ મચાવી છે. ફિલ સોલ્ટ અને સુનીલ નારાયણે આજે પણ લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. કોલકત્તાએ પ્રથમ છ ઓવરમાં 70 રન ફટકારી દીધા હતા, જ્યારે માત્ર એક વિકેટ ગુમાવી હતી. ફિલ સોલ્ટ 14 બોલમાં 5 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 32 રન બનાવી આઉટ થયો હતો.

સુનીલ નારાયણની વિસ્ફોટક ઈનિંગ
કોલકત્તા નાઈટ રાઇડર્સ માટે આ સીઝનમાં સુનીલ નારાયણનું પ્રદર્શન કમાલનું રહ્યું છે. સુનીલ નારાયણે આ સીઝનની ત્રીજી અડધી સદી ફટકારી હતી. તે એક સદી પણ ફટકારી ચૂક્યો છે. લખનૌ સામે સુનીલ નારાયણે 39 બોલમાં 6 ચોગ્ગા અને 7 સિક્સ સાથે 81 રન ફટકાર્યા હતા. આ ઈનિંગની મદદથી સુનીલ નારાયણ ઓરેન્જ કેપના લિસ્ટમાં ત્રીજા સ્થાને આવી ગયો છે. નારાયણે આઈપીએલ-2024માં 460 રન ફટકારી દીધા છે. 

કોલકત્તા તરફથી અંગકૃષ રઘુવંશીએ 32 રનનું યોગદાન આપ્યું હતું. આંદ્રે રસેલ માત્ર 12 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે રિંકૂ સિંહે 16 તો કેપ્ટન શ્રેયસ અય્યર 23 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. અંતિમ ઓવરોમાં રમનદીપ સિંહે માત્ર 6 બોલમાં 3 સિક્સ અને 1 ચોગ્ગા સાથે 25 રન બનાવી ટીમનો સ્કોર 230ને પાર પહોંચાડ્યો હતો. 

લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી નવીન-ઉલ-હકે 4 ઓવરમાં 49 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય યશ ઠાકુર અને યુદ્ધવીર સિંહને એક-એક સફળતા મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news